દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા, જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી
જલપાઈગુડી
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં અખિલ કામતાપુર વિદ્યાર્થી સંગઠન (એકેએસયુ)ના સદસ્યો અલગ રાજ્યની માગને લઈને ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે. આજે સવારથી જ દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા. જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી. મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેક પર પહોંચીને સરકાર વિરુદ્ધ નારા લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
ઉત્તરપૂર્વ સીમા રેલ્વેના ન્યૂ જલપાઈગુડી-ન્યૂ બોંગાઈગાંવના બેટગારા સ્ટેશન પર દેખાવકારો સવારે સાત વાગ્યાથી ભેગા થયા હતા. જેના કારણે તમામ મહત્ત્વપૂર્ણ માર્ગો પર રેલ સેવા ખોરવાઈ ગઈ છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓ અને રાજ્ય પોલીસ દેખાવકારોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તમામ પ્રયાસો છતા દેખાવકારો પોતાની માગ પર અડગ છે.
નોંધનીય છે કે, દેખાવકારોએ તેમની માગ પૂરી ન કરવા બદલ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કામતાપુર પીપલ્સ પાર્ટી યુનાઈટેડની વિદ્યાર્થી પાંખ એકેએસયુ દ્વારા અલગ કામતાપુર રાજ્યની માગને લઈને દેખાવ કરી રહી છે. આ દેખાવ આજે આખો દિવસ ચાલે તેવી શક્યતા છે.