ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને આયરલેન્ડના ખેલાડીઓને પણ આઈસીસી ટીમ ઓફ ધ યર 2023માં સ્થાન મળ્યું પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એક પણ ખેલાડીને એક પણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી
દુબઈ
આઈસીસીએ તેની ત્રણેય ફોર્મેટ માટે આઈસીસી ટીમ ઓફ ધ યર 2023 જાહેર કરી દીધી છે. આ ત્રણેય ફોર્મેટમાં ભારતના કુલ 12 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને આયરલેન્ડના ખેલાડીઓને પણ આઈસીસી ટીમ ઓફ ધ યર 2023ના ઓછામાં ઓછા એક ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના એક પણ ખેલાડીને ત્રણેય ફોર્મેટમાંથી એક પણ ફોર્મેટમાં સ્થાન મળ્યું નથી.
ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. આ સાથે રોહિત શર્માને વનડે ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આઈસીસી વનડે ટીમ ઓફ ધ યરમાં રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, શુભમન ગિલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે.
આઈસીસી ટી20આઈ ટીમ ઓફ ધ યરમાં યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહને સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી હતી. ટી20આઈ ટીમમાં આયરલેન્ડના માર્ક અડાયરને પણ સામેલ કરવામાં આવ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા સ્ટુઅર્ટ બ્રોડને પણ ટીમમાં તક આપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન દિમુથ કરુણારત્નેની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડના જો રૂટને પણ ગત વર્ષે તેના શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તે ટીમની ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો ભાગ બનવામાં સફળ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 11 વર્ષ બાદ આવી તક આવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીને ટેસ્ટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2012માં માઈકલ ક્લાર્કે આ સિદ્ધિ મેળવી હતી. આઈસીસીની ટીમમાં ઓસ્ટ્રેલિયન ટીમનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પેટ કમિન્સ ઉપરાંત ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી અને મિચેલ સ્ટાર્ક પણ આ ટીમનો ભાગ બનવામાં સફળ થયા છે.