ગાંધીધામ
ગુજરાત અંડર-19 બોય્ઝ ટીમે ઈન્દોર ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરશન ઓફ ઈન્ડિયા માર્ગદર્શન હેઠળ આયોજીત 67મી સ્કૂલ નેશનલ ગેમ્સ 2023-24માં શાનદાર પ્રદર્શન કરતા મહારાષ્ટ્રને 3-1થી હરાવી ગોલ્ડ જીત્યો હતો. આ ગેમ્સનું આયોજન ઈન્ડિયન પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની ટીમમાં અરમાન શેખ, હર્ષવર્ધન પટેલ, જન્મેજય પટેલ, ધ્યેય જાની, પવન દેત્રોજા હતા, જ્યારે કોચ તરીકે મહાવીર કુમ્પાવત અને સાગર ત્રિવેદી હતા. ગુજરાતની ટીમે છત્તિસગઢને 3-0થી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં માત આપી હતી.
જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં ગુજરાતે CISCEની ટીમને 3-2થી માત આપી હતી.
ગુજરાતની બોય્ઝ ટીમનો સામનો સેમિફાઈનલમાં મજબૂત હરિયાણાથી થયો હતો, જોકે- તેમણે ભારે લડત આપી 3-2થી જીત સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે, ગુજરાતનાં ટોચનાં 4 ટેબલ ટેનિસ ખેલાડી- અરમાન શેખ, હર્ષવર્ધન, જન્મેજય, ધ્યેય આ તમામ એસએજી-તપ્તી વેલી હાઈ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર ખાતે તાલિમ લઈ રહ્યાં છે, જે સુરતની તપ્તી વેલી સ્કૂલમાં બન્યું છે.
આ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું સહયોગથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને તપ્તી વેલી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અહીં ટોપ કેડર કોચ તરીકે ફ્રાન્સનાં જુલિયન ગિરાર્ડ અને કેડ્રિક રોલેઉ રાજ્યનાં ખેલાડીઓની સ્કિલ્સને મજબૂત કરી રહ્યાં છે. જ્યારે મહાવીક કુમ્પાવતને આસિસ્ટન્ટ કોચ રાખવામાં આવ્યા છે.