લાંબા અંતરના મહત્વપૂર્ણ રૂટ્સ પર એર ઈન્ડિયા દ્વારા ઉડાવવામાં આવી રહેલી ફ્લાઈટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનના આરોપો પર ડીજીસીએએ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી પણ શરૂ કરી
નવી દિલ્હી
સિવિએલ એવિએશન મંત્રાલય દ્વારા એર ઈન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી છે. ડીજીસીએએ એર ઈન્ડિયા પર ઉડાનોમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં સતત થઈ રહેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે ડીજીસીએએ એરલાઈન પર મોટી કાર્યવાહી કરી છે.
લાંબા અંતરના મહત્વપૂર્ણ રૂટ્સ પર એર ઈન્ડિયા દ્વારા ઉડાવવામાં આવી રહેલી ફ્લાઈટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનના આરોપો પર ડીજીસીએએ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી પણ શરૂ કરી છે. ડીજીસીએએ દંડની ડિટેલ્સ અને તે ખાસ ઘટનાનો હાલ કોઈ ખુલાસો નથી કર્યો જેના માટે દંડ ફટકારવામાં આવ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં હાલમાં અનેક અનિયમિતતાની ઘટનાઓ બની છે અને આ જ કારણોસર સુરક્ષા ઉલ્લંઘન માટે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તાજેતરના કેટલાક મહિનામાં એર ઈન્ડિયા સાથે જોડાયેલા અનેક મામલા સામે આવ્યા છે. જેમાં વેજિટેરિયન યાત્રીને નોનવેજ ભોજન પીરસવાથી લઈને ફ્લાઈટની છત પરથી પાણી ટપકવા જેવા મામલા પણ સામેલ છે. પ્લેનની છત પરથી પાણી ટપકવાનો મામલો તો એર ઈન્ડિયા બોઈંગ બી 787 ડ્રીમ લાઈનનો છે જેનો વીડિયો વાયુ વેગે વાયરલ થયો હતો.
તાજેતરમાં ઈન્ડિગો પર પણ રૂ. 1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તેની એક ફ્લાઈટના પેસેન્જરો રસ્તા પર આવી ખાવાનું ખાવા લાગ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ સ્વીકાર ન કરી શકાય.