રાજ્ય પોલીસ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધશે અને લોકસભા ચૂંટણી બાદ ધરપકડ કરશે એવા હિમંતા બિસ્વાના નિવેદન બાદ પગલાં લેવાયા

ગુવાહાટી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ, ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી કન્હૈયા કુમાર અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિભિન્ન કલમો અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ એફઆઈઆર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના મંગળવારના એ નિવેદન બાદ નોંધવામાં આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય પોલીસ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધશે અને લોકસભા ચૂંટણી બાદ તેમની ધરપકડ કરશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પોસ્ટ કરીને લખ્યું કે, કોંગ્રેસ સદસ્યો દ્વારા હિંસા, ઉશ્કેરણી, સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવા અને પોલીસ કર્મચારીઓ પર હુમલાના અનિયંત્રિત કૃત્યોના સંદર્ભમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 120(બી)143/147/188/283/353/332/333/427 આઈપીસી આર/ડબલ્યુ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ખાનપરા વિસ્તારમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના બાદ આસામના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ લગભગ 3000 લોકો અને 200 વાહનો સાથે ગુવાહાટીમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસ તપાસ શરૂ કરશે અને લોકસભા ચૂંટણી બાદ વાયનાડ સાંસદની ધરપકડ કરશે.