આજે દ્વારકાધીશ મંદિર બંધ રહેશે, 9 ગામોના બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા આદેશ, ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકૂફ
ગાંધીનગર
બિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (આએમડી)એ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે બિપોરજોય વાવાઝોડું લગભગ દર કલાકે 5 કિલોમીટર આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકારથી લગભગ 290 કિ.મી.ના અંતરે રહી ગયું છે. 15 જૂનની સાથે તે ગુજરાત સાથે અથડાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે.
બિપોરજોય વાવાઝોડું આવતીકાલે 15 જુને સાંજે ત્રાટકશે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ કાંઠે જોવા મળશે. હાલ દ્વારકાના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય રહ્યો છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાની જાણ એસડીએમ પાર્થ તલસાણીયા દ્વારા કરવામાં આવી હતી.
સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત 9 ગામોની બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે.
બિપોરજોય વાવાઝોડાને પગલે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમની સાથે બેઠક કરીને વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચનો કર્યા હતા.
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂલક્ષી નિર્ણય કર્યો હતો. લઘુત્તમ ટેકાના ભાવથી ઉનાળુ બાજરી,જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદીની સમયમર્યાદામાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે,રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાને કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય રહ્યો છે ત્યારે દ્વારકના જગત મંદિરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સતત બીજા દિવસે પણ દ્વારકાના જગત મંદિરે ધ્વજા ચડાવવામાં આવશે નહીં જે ઈતિહાસમાં પહેલીવાર બનશે.
વાવાઝોડા બિપોરજોયને લઈને ઉત્તર ગુજરતમાં આગામી 16મી અને 17મી જૂન બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
બિપોરજોય વાવાઝોડાની અસર હવે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ ઝાપટાંની સ્થિતિ જોવા મળી હતી. તેની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં ગઈકાલે એક વીજ થાંભલો ભારે પવનના કારણે તૂટી પડ્યો હતો, અને દાદા પૌત્રને તૂટી પડેલા વિજથાંભલાના કારણે ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી પૌત્રને વધુ ઇજા થવાથી અમદાવાદ ખસેડાયો છે.
હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાને કારણે 375 ગામોમાં વિજ વિક્ષેપ થયો છે હાલ 34 ગામોમાં વિજ સમારકામ ચાલૂ છે. વાવાઝોડાના કારણે 632 વિજ પોલ તેમજ 19 ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થતા વિજ તંત્રને 1 કરોડ 23 લાખનું નુકસાન થયુ છે.
માંડવી અને કરાચી વચ્ચે જખૌ પોર્ટ નજીક બિપોરજોય વાવાઝોડું ટકરાશે તેવા સ્પષ્ટ સંકેત મળી ગયા છે. આવતીકાલે બિપોરજોય વાવાઝોડું સાંજના 4થી 5 વાગ્યાની વચ્ચે ટકરાશે. તેની સાથે ભારેથી અતિ ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બિપોરજોય વાવાઝોડું સાંજના 5 વાગ્યાના સુમારે ટકરાશે.
વાવાઝોડા બિપોરજોયને લઈને આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રુમમા એક બેઠક મળી હતી જેમા વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. વાવાઝોડાએ દિશા ન બદલતા હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને જખૌથી 280 કિલોમીટર દૂર છે.
જખૌ બંદરેથી બિપોરજોય વાવાઝોડું માત્ર 280 કિલોમીટર દૂર રહી ગયું છે. તેની તીવ્રતા પણ વધી જવાને કારણે ભારતના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આ પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.