એક કોચ અને 2 રેફરી સામેલ, એક સભ્યએ બ્રિજભૂષણ શરણ સિંહની આકરી ટીકા કરી હતી અને બ્રિજભૂષણને કુસ્તી સંઘમાંથી કાઢી મુકવાની માંગને સમર્થન પણ આપ્યું હતું
નવી દિલ્હી
કિર્ગિસ્તાનમાં યોજાનાર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ સ્પર્ધા માટે ઘણા સમય પહેલાં જ કુસ્તીબાજો ઉપરાંત સપોર્ટિંગ સ્ટાફની પસંદગી થઈ ગઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ 3 સભ્યોની બાદબાદી કરી દેવામાં આવી… હવે ભારતીય ટીમ આ 3 સભ્યો વિના જ કિર્ગીસ્તાન રવાના થશે. આ સ્પર્ધામાંથી જે 3 સભ્યોની બાદબાકી કરવામાં આવી છે, તેમાંથી એક સભ્યએ બ્રિજભૂષણ શરણ સિંહની આકરી ટીકા કરી હતી અને બ્રિજભૂષણને કુસ્તી સંઘમાંથી કાઢી મુકવાની માંગને સમર્થન પણ આપ્યું હતું.
ભારતીય ટીમમાંથી જે ત્રણ સભ્યોનું નામ કાપવામાં આવ્યું છે, તેમાંથી એક કોચ અને 2 રેફરી સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ થયા બાદ તેમનું નામ કાપવામાં આવ્યું છે.
(1) રેફરી વિરેન્દ્ર મલિક પર આરોપ છે કે, 2014માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સ્કોટલેન્ડ પોલીસે તેમને રોક્યા હતા અને ઘણા દિવસ સુધી પૂછપરછ કરી હતી. જોકે તેમની વિરુદ્ધ ફરિયાદ કરનારનું નામ સામે આવ્યું ન હતું અને ત્યારબાદ તેમને ક્લિનચીટ અપાઈ હતી.
(2) રેફરી જગવીર મલિક પર કુસ્તીબાજોએ કરેલા પ્રદર્શનમાં સામેલ થવાનો અને બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરવાનો આરોપ છે. કેટલાક દિવસો પહેલા જ જગવીર મલિકની એક કુસ્તીબાજ સાથે મારામારી થતા તેઓ ચર્ચામાં આવ્યા હતા.
(3) કોચ રાજીવ તોમર પર આરોપ છે કે, ટોક્યો ઓલમ્પિકમાં તેઓ ગેરકાયદેસર રીતે સામેલ થયા હતા. તેમને પર કુસ્તીબાજોને ધક્કો મારવાનો પણ આરોપ છે.
હાલ ભારતીય કુસ્તી સંઘનું સંચાલન એડહોક સમિતિ કરી રહી છે. આ સમિતિના અધ્યક્ષ ભુપેન્દ્ર સિંહ બાજવાએ કહ્યું કે, સહયોગી સ્ટાફ માટે નવા નિયમો લવાયા છે, જેના કારણે આ ત્રણેય સભ્યોના નામ કિર્ગિસ્તાન જનારી ટીમમાંથી હટાવાયા છે. નવા નિયમ હેઠળ વિદેશમાં યોજાનાર મોટી સ્પર્ધામાં દરવખતે માત્ર પસંદગીના લોકો જ બહાર નહીં જાય. જુદા જુદા લોકોને જુદી જુદી સ્પર્ધામાં મોકલવામાં આવશે. આ જ કારણે તેઓના નામ હટાવાયા છે. આ મામલે કોઈપણ પ્રકારનો વિવાદ નથી. નવી પ્રક્રિયાના કારણે સભ્યોના નામ કાપવામાં આવ્યા છે.