બોપન્ના અને એબ્ડેનની જોડીએ થોમસ માચાક અને ઝાંગ ઝિન્ઝેનની જોડીને સેમિફાઈનલમાં 6-3, 3-6, 7-6 (10-7)થી હરાવી હતી
મેલબોર્ન
ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્ના તેનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે. તે ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સાથે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ના મેન્સ ડબલ્સના ફાઈનલમાં પહોંચી ગયા છે. બોપન્ના અને એબ્ડેનની જોડીએ થોમસ માચાક અને ઝાંગ ઝિન્ઝેનની જોડીને સેમિફાઈનલમાં 6-3, 3-6, 7-6 (10-7)થી હરાવી હતી. લગભગ 2 કલાક ચાલેલી સેમિફાઈનલ મેચના સુપર ટાઈબ્રેકરમાં બોપન્નાનું અનુભવ કામ આવ્યું હતું.
વર્લ્ડ રેન્કિંગમાં ઝાંગ 54મા અને માચાક 75મા સ્થાને છે. બંને સિંગલ્સ રેન્કિંગમાં ટોપ-100માં હોવા સાથે ખૂબ સારા ખેલાડીઓ પણ છે અને તેઓએ બોપન્ના અને એબ્ડેનને સખત પડકાર આપ્યો હતો. એક દિવસ પહેલા જ બોપન્નાએ વર્લ્ડ ડબલ્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. તેણે મેચમાં જોરદાર સર્વિસ અને સ્ટ્રોકનું પ્રદર્શન કર્યું હતું.
પ્રથમ 2 સેટમાં ટાઇ થયા બાદ બોપન્ના અને એબ્ડેન ત્રીજા સેટની પ્રથમ ગેમમાં 0-30થી પાછળ હતા પરંતુ બોપન્નાએ તેમની મજબૂત સર્વિસ જાળવી રાખી હતી. ઝાંગ અને માચાકની વચ્ચેથી ક્રોસકોર્ટ પર તેમનો શાનદાર વિનર જોવા લાયક હતો. બોપન્નાએ વિરોધીની સર્વિસ તોડી લીડ મેળવી લીધી હતી.
બોપન્નાનો બેકહેંડ શોટ લાંબો જવા બાદ તે 15-30થી પાછળ થઇ ગયા અને ઝાંગે ક્રોસકોર્ટ પર હોરહેંડ વિનર લગાવ્યો જેથી બોપન્નાને 2 બ્રેક પોઈન્ટનો સામનો કરવો પડ્યો હતો. બોપન્નાનો બેકહેંડ શોટ બહાર જતો રહ્યો જેના કારણે વિરોધી ટીમે વાપસી કરી. આગળની ગેમમાં બોપન્ના અને એબ્ડેનને 3 મેચ પોઈન્ટ્સ મળ્યા. જો કે ચીની ખેલાડીઓએ વાપસી કરતા એક સમયે સ્કોર 5-5 કરી દીધો હતો.
એબ્ડેને સર્વિસ જાળવતા 11મા ગેમમાં 6-5ની લીડ મેળવી, ત્યાર બાદ તેણે બીજા બ્રેક પોઈન્ટ સાથે મેચ જીતી લીધી હોત, પરંતુ ત્રીજો સેટ ટાઈ થવાને કારણે સુપર ટાઈબ્રેકર થયો હતો. સુપર ટાઈબ્રેકરમાં એબ્ડેને રિટર્ન વિનર સાથે લીડ મેળવી હતી અને બોપન્નાએ ઝાંગના રિટર્ન પર શાનદાર વોલી વિનર સાથે સ્કોર 7-5 કર્યો હતો.