તેલંગાણા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિ.ની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન ઘટના બની
હૈદ્રાબાદ
હૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક મહિલા પોલીસકર્મીએ વિદ્યાર્થીનીનો પીછો કર્યો અને તેના વાળ ખેંચી તેને ઢસડી હતી. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ લોકોમાં રોષ ફેલાયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂટર પર સવાર બે મહિલા પોલીસકર્મીઓ એક મહિલા દેખાવકારનો પીછો કરી રહી છે અને પાછળ બેઠેલી મહિલા પોલીસકર્મી તેના વાળ ખેંચી રહી છે જેના કારણે તે મહિલા દેખાવકાર નીચે પડી ગઈ હતી. તેલંગાણા રાજ્ય કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિવર્સિટીની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન આ ઘટના બની હતી.
આ વીડિયોથી લોકોમાં રોષ ફેલાયો છે. વિપક્ષ બીઆરએસ અને ભાજપે આ ઘટનાની નિંદા કરી છે અને સામેલ પોલીસકર્મીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.