ગાંધીધામ
ગુજરાતી ખેલાડીઓ ખ્વાઈશ લોટિયા અને પ્રથા પવારે હાલ ચાલી રહેલ WTT યુથ કન્ટેન્ડર દોહા 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા.
અંડર-13 ગર્લ્સ ઈવેન્ટમાં ખ્વાઈશે શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઈનલમાં સાઉદી અરબની લીન સેગરને 3-0થી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. જે પછી ફાઈનલમાં પણ ખ્વાઈશે વધુ મહેનત ના કરવી પડી અને તેણે સરળતાથી બેહરેનની કેન્ડા મેહમુદને 3-0થી માત આપી ગોલ્ડ પર કબજો કર્યો હતો.
બીજી તરફ અમદાવાદી પ્રથા પવારે પાકિસ્તાનની હૂર ફવાદને સેમિફાઈનલમાં 3-0થી હરાવી સરળતાથી ફાઈનલમાં પ્રવેશી હતી. જે પછી પ્રથા એ સાઉદી અરબની હેન્દ ઝાઝાને પણ સમાન અંતરથી હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. પ્રથા પવારે બેવડી સિદ્ધિ હાંસલ કરતા સુજલ કુકડિયા સાથે જોડી બનાવી અંડર15 મિક્સ્ડ ડબલ્સની ઈવેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, તેમણે ફાઈનલમાં જર્મન જોડી એલેક્ઝેન્ડર ઉહિંગ અને એલિસા મેયરની જોડી સામે 1-3થી હારી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
ગુજરાતનાં ધ્યેય જાની અને આયુષ તન્ના બોય્ઝ અંડર-17ની ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા, પરંતુ અહીંનો પડકાર પાર કરી શક્યા નહીં. ધ્યેય ઓસ્ટ્રિયાનાં જુલિયન સામે 0-3થી અને આયુષ લિથુઆનિયાનાં ઈગન્સ સામે 0-3થી જ હાર્યો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનનાં પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ ખેલાડીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે,”ગુજરાતનાં યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની છાપ છોડી રહ્યાં છે એ ગર્વની વાત છે.”