ઈઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે અમને આ લોકોની ભૂમિકા વિશેની માહિતી ધરપકડ કરાયેલા હમાસના આતંકીએ જ આપી હતી
જેરૂસલેમ
પેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની રાહત અને બચાવની કામગીરી કરતી એજન્સી યુએનઆરડબલ્યુએ એ તેના કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. આ કર્મચારીઓ પર આરોપ હતો કે તેમણે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરાયેલા હુમલામાં ભૂમિકા ભજવી હતી.
આ મામલે એનઆરડબલ્યુએના પ્રમુખ ફિલિપ લઝ્ઝારિનીએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ઈઝરાયલના આરોપો બાદ અમે અમારી એજન્સીના એવા કેટલાક સભ્યોની હકાલપટ્ટી કરી દીધી છે જેમના પર 7 ઓક્ટોબરના રોજ થયેલા હમાસના હુમલાઓમાં ભૂમિકા ભજવવાનો આરોપ હતો. જોકે એજન્સીએ કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે તેનો કોઈ સચોટ આંકડો જાહેર કર્યો નહોતો.
માહિતી અનુસાર ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા નિવેદનમાં દાવો કરાયો હતો કે એ 12 જેટલાં એનઆરડબલ્યુએ સ્ટાફ સભ્યોની હકાલપટ્ટી થઇ છે. આ લોકોએ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર કરાયેલા હુમલામાં ભૂમિકા ભજવી હતી. જેમાં 1200 થી વધુ ઈઝરાયલીઓના મોત નીપજ્યાં હતાં. ઈઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે અમને આ લોકોની ભૂમિકા વિશેની માહિતી ધરપકડ કરાયેલા હમાસના આતંકીએ જ આપી હતી.
શુક્રવારે રાતે એનઆરડબલ્યુએ ના પ્રમુખે કહ્યું હતું કે અમારી સંસ્થામાં કાર્યરત જે પણ કર્મચારીએ આતંકી પ્રવૃત્તિમાં ભૂમિકા ભજવી હશે તેનો પૂરેપૂરો હિસાબ થશે અને તેની સામે યોગ્ય ગુનાઈત કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈઝરાયલે અમને એ કર્મચારીઓની ભૂમિકા વિશે માહિતી પણ આપી દીધી છે.