પોલીસના જણાવ્યાનુસાર પીડિત છોકરો સગીર છે અને તે પ્રી યુનિવર્સિટી કોલેજમાં ભણતો હતો અને સરકારી હોસ્ટેલમાં જ રહેતો હતો
બેંગલુરૂ
કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી હતી. અહીં એક સગીર છોકરાને કેટલાક વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. પીડિત સગીરને ડૉ. બી.આર.આંબેડકરના ફોટાની પ્રાર્થનામાં સામેલ ન થવાને કારણે આ સજા આપવામાં આવી હતી. આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયો હતો.
આ ઘટના કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં એક સરકારી હોસ્ટેલમાં બની હતી. આ મામલે અશોક નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરાવાઈ હતી. પીડિત છોકરાના પિતાએ આ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસના જણાવ્યાનુસાર પીડિત છોકરો સગીર છે અને તે પ્રી યુનિવર્સિટી કોલેજમાં ભણતો હતો અને સરકારી હોસ્ટેલમાં જ રહેતો હતો.
સરકારી હોસ્ટેલમાં રહેતા છોકરાઓ રોજ ડૉ. બી.આર.આંબેડકરની તસવીરની પૂજા કરતા હતા. પીડિત સગીર છોકરો ગત રવિવારે આ કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજર રહેવાનું ચૂકી ગયો હતો. જેના બાદ વિદ્યાર્થીઓનો સમૂહ તેને ઘેરી વળ્યો હતો અને તેની આ રીતે હેરાનગતિ કરી હતી. જ્યારે આ ઘટનાની જાણ અન્ય હોસ્ટેલના વિદ્યાર્થીઓને થઈ તો તેઓ પણ આ રીતે પીડિત સગીર છોકરાની હેરાનગતિમાં જોડાઈ ગયા હતા અને તેને નગ્ન કરીને રોડ પર પરેડ કરાવી હતી. આ સાથે છોકરાના હાથમાં ડૉ.બી.આર.આંબેડકરની તસવીર પણ થમાવી દીધી હતી.