વંડર્સ એફસી ગ્રુપમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને, કીક જેક એફસીએ એસએજી એફએને 4-1થી હરાવી બીજું સ્થાન મેળવ્યું; 22 નવેમ્બરથી ફાઇનલ રાઉન્ડનો પ્રારંભ
અમદાવાદ:
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ ક્લબ ચેમ્પિયનશિપ-2026ની અંતિમ લીગ મેચો પૂર્ણ થતાં ફાઇનલ રાઉન્ડમાં સ્થાન મેળવનારી બંને ટીમો નક્કી થઈ ગઈ છે. અંતિમ દિવસે રમાયેલી બે મહત્વપૂર્ણ મેચોના પરિણામના આધારે વંડર્સ એફસી અને કીક જેક એફસીએ ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.
સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડમાં આજે રમાયેલી પ્રથમ મેચમાં ગુજરાત પોલીસ અને વંડર્સ એફસી વચ્ચે રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. બંને ટીમોએ એક-એક ગોલ નોંધાવતાં મેચ 1-1થી ડ્રો રહી હતી. ગુજરાત પોલીસ તરફથી અબુજાર બેગે ગોલ કર્યો હતો, જ્યારે વંડર્સ એફસી તરફથી અમન શેખે ગોલ નોંધાવ્યો હતો.
દિવસની બીજી મેચમાં કીક જેક એફસીએ શાનદાર પ્રદર્શન કરતાં એસએજી એફએને 4-1થી પરાજય આપ્યો હતો. આ મહત્વપૂર્ણ જીત સાથે કીક જેક એફસીએ ગ્રુપમાં બીજું સ્થાન હાંસલ કરીને ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. બીજી તરફ, વંડર્સ એફસીએ કુલ 7 પોઇન્ટ સાથે ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવી ફાઇનલ રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
ફાઇનલ રાઉન્ડમાં 10 ટીમો વચ્ચે ટક્કર
ગત વર્ષની સ્પર્ધામાં દર્શાવેલા પ્રદર્શનના આધારે અગાઉથી જ આઠ ટીમોએ ફાઇનલ રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જેમાં દ્વિવેદી બ્રધર્સ એફસી, ઇન્કમ ટેક્સ એફસી, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સૂર્યવંશી એફસી, ગોધરા એફસી, એઆરએ એફસી, સીવીએમ એફસી અને કર્ણાવતી એફસીનો સમાવેશ થાય છે.
હવે ક્વોલિફાય રાઉન્ડમાંથી વંડર્સ એફસી અને કીક જેક એફસી ક્વોલિફાય થતાં ફાઇનલ રાઉન્ડની તમામ 10 ટીમો નક્કી થઈ ગઈ છે.
ગુજરાત ફૂટબોલની ક્લબ સ્તરની સ્પર્ધામાં હવે આ 10 ટીમો વચ્ચે ફાઇનલ રાઉન્ડમાં રસપ્રદ મુકાબલા જોવા મળશે. ફાઇનલ રાઉન્ડની મેચોનો પ્રારંભ આગામી 22 નવેમ્બર, 2026થી થશે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમામ ટીમો મેદાનમાં ઉતરશે, ત્યારે ફૂટબોલપ્રેમીઓમાં પણ આગામી મુકાબલાઓને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.
