અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલની ખેલાડી દિવિજા પોલે WTT યુથ કન્ટેન્ડર ચેન્નાઈમાં U-13 સિંગલ્સનો ખિતાબ જીત્યો

Spread the love

આસામની દિવિજાએ સતત બીજી વખત WTT યુથ કન્ટેન્ડરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો; U-15 મિક્સ્ડ ડબલ્સમાં પણ સેમિફાઇનલ સુધી પહોંચીને પ્રતિભાનો પરચો આપ્યો

અમદાવાદ

અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલ સાથે જોડાયેલી યુવા ટેબલ ટેનિસ ખેલાડી દિવિજા પોલે WTT યુથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026માં શાનદાર પ્રદર્શન કરીને અંડર-13 (U-13) સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં દિવિજાએ પોતાની પ્રતિભા અને રમતકૌશલ્યનો પરિચય આપતાં U-15 મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં પણ સેમિફાઇનલ સુધીની સફર ખેડી હતી. મોટી વયજૂથની સ્પર્ધામાં પણ તેનું આ પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું.

ભારતમાં U-13 કેટેગરીમાં પ્રથમ ક્રમાંક ધરાવતી આસામની આ ખેલાડીએ તાજેતરના અઠવાડિયાઓમાં બીજી વખત WTT યુથ કન્ટેન્ડરની સિંગલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ પહેલાં તેણે ફિલિપાઇન્સના પ્યુર્ટો પ્રિન્સેસા ખાતે યોજાયેલી WTT યુથ કન્ટેન્ડર સ્પર્ધામાં પણ U-13 સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો.

‘ગર્વ હૈ’ની જર્સી પહેરીને જીતવું યાદગાર ક્ષણ : દિવિજા

ચેન્નાઈમાં મળેલી જીત અંગે ખુશી વ્યક્ત કરતાં દિવિજા પોલે જણાવ્યું હતું કે, ‘ગર્વ હૈ’ની જર્સી પહેરીને ચેન્નાઈમાં જીત મેળવવી મારા માટે હંમેશાં યાદગાર ક્ષણ બની રહેશે. જ્યારે અદાણી સ્પોર્ટ્સલાઇને મને સહયોગ આપ્યો ત્યારે મને એવું લાગ્યું કે કોઈને મારી ક્ષમતા પર સાચો વિશ્વાસ છે. જ્યારે પણ હું ટેબલ ટેનિસ ટેબલ પર રમવા ઊતરું છું ત્યારે આ વિશ્વાસ મારી સાથે હોય છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ સફરમાં અદાણી સ્પોર્ટ્સલાઇન જે રીતે તેની અને તેના પરિવારની સાથે ઊભી રહી છે તે બદલ તે આભારી છે. હવે તેનું સંપૂર્ણ ધ્યાન જલંધરમાં યોજાનારી આગામી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) ચેમ્પિયનશિપ પર કેન્દ્રિત છે.

વડોદરાથી ફિલિપાઇન્સ સુધી ગોલ્ડ મેડલની સફર

દિવિજા માટે WTT યુથ કન્ટેન્ડર ચેન્નાઈનો ખિતાબ તેની સતત સફળતાની કડીમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. વર્ષ 2025 અને 2026માં વડોદરા ખાતે યોજાયેલી WTT યુથ કન્ટેન્ડર સ્પર્ધાઓમાં પણ તેણે અનુક્રમે U-11 અને U-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તાજેતરમાં જ પંચકુલામાં યોજાયેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની U-13 ગર્લ્સ કેટેગરીમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

વર્ષ 2023માં પંચકુલા ખાતે U-11 કેટેગરીમાં પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીતીને દિવિજાએ પોતાની કારકિર્દીમાં મહત્ત્વપૂર્ણ શરૂઆત કરી હતી. આ જીતે તેને ટેબલ ટેનિસમાં વ્યાવસાયિક કારકિર્દી બનાવવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ વર્ષ 2025માં દિલ્હીમાં યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં U-13નો ખિતાબ જીત્યો હતો. આ જ વર્ષે ગાંધીધામ ખાતે યોજાયેલી UTT નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં U-13 ડબલ્સનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

છ વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસની શરૂઆત, ઓલિમ્પિક ગોલ્ડનું સપનું

આસામની દિવિજા પોલ હાલમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની સિલચર સ્થિત શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરે છે. તેણે માત્ર છ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. નાની ઉંમરથી જ રમત પ્રત્યેનો લગાવ, સતત મહેનત અને સ્પર્ધાત્મક અભિગમે તેને દેશની અગ્રણી યુવા ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે.

અદાણી સ્પોર્ટ્સલાઇનની ‘ગર્વ હૈ’ પહેલ હેઠળ સપ્ટેમ્બર 2026થી દિવિજાને રમતગમત માટે જરૂરી વિશ્વસ્તરીય સાધનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રવાસની સુવિધા તેમજ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગની તાલીમ સહિતનો સહયોગ આપવામાં આવી રહ્યો છે.

આ સહયોગનો મુખ્ય હેતુ દિવિજાને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સક્ષમ બનાવવાનો અને તેની રમતને નવી ઊંચાઈએ પહોંચાડવાનો છે. દિવિજાનું લાંબા ગાળાનું લક્ષ્ય ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. ચેન્નાઈમાં મળેલી આ સફળતાએ તેની આ મહત્ત્વાકાંક્ષી સફરને વધુ મજબૂત આધાર પૂરો પાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *