ફ્રાંસ અને ભારતના ડિફેન્સ સ્પેસ પાર્ટનરશિપ, સેટેલાઇટ લોન્ચ, જાહેર વહીવટના ક્ષેત્રમાં સહયોગ વગેરે જેવા કરારો પર હસ્તાક્ષર, હેલિકોપ્ટર, જેટ એન્જિન, અવકાશ ક્ષેત્રે કરાર, શેન્ઝેન વિઝા પણ સક્રિય કરાશે
નવી દિલ્હી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ વખતે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હતા. મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદી સાથે ગાઝાના સંઘર્ષ અને તેના આતંકવાદ અને માનવતાવાદી પાસાઓ સહિત વિવિધ પરિમાણો અંગે ચર્ચા કરી હતી. તેમજ આ વખતે ફ્રાન્સના ચાર લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ચાર લોકોની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ પરથી કહી શકાય કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થયા છે.
ફ્રાન્સ સાથેની ભાગીદારી હેઠળ ભારતને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશમાં જ ફાઇટર એન્જિન બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રગતિ કહી શકાય છે. ફ્રેંચ એન્જિન મેન્યુફેક્ચરિંગ કંપની સફરાન એ ભારતમાં ફાઈટર જેટ એન્જિનના ઉત્પાદન માટે 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જો કે, ભારત દ્વારા ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટના 26 નેવલ વેરિઅન્ટ્સ અને ત્રણ સ્કોર્પિન સબમરીનની પ્રસ્તાવિત ખરીદી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, ટાટા અને એરબસ હેલિકોપ્ટર્સ મહત્ત્વપૂર્ણ સ્વદેશી અને લોકલ કમ્પોનન્ટ સાથે ભારતમાં જ એચ125 હેલિકોપ્ટર બનાવવામાં આવશે. ખાનગી ક્ષેત્રમાં આ ભારતની પ્રથમ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ હશે. આ હેલિકોપ્ટરના ઉત્પાદનની શરૂઆત 2026 માં થવાની ધારણા છે. આ ઉપરાંત ફ્રાન્સ ફાઈટર જેટ એન્જિનની ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં પણ ભારતની મદદ કરી શકે છે.
ભારતે ફાંસ સાથે ડિફેન્સ સ્પેસ પાર્ટનરશિપ પર પણ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી એરિયાનેસ્પેસ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. જે અવકાશીય પરિસ્થિતિલક્ષી જાગૃતિ કાર્યક્રમ સરળ બનાવશે. ભારત- ફ્રાન્સ સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપ રોબોટિક્સ, સ્વાયત્ત વાહનો અને સાયબર સંરક્ષણના ક્ષેત્રોમાં પણ સહકારને વિસ્તૃત કરશે.
વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે બંને દેશો 18 થી 35 વર્ષની વયજૂથના પ્રોફેશનલ્સને એકબીજાના દેશોમાં મોકલવાની યોજના ધરાવે છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષની વેલિડિટી પર શેન્ઝેન વિઝા આપવાનો પણ સમાવેશ થાય છે. બંને પક્ષોએ અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા. આમાંથી એક ડિફેન્સ-સ્પેસ પાર્ટનરશિપ પર છે અને બીજી સેટેલાઇટ લોન્ચિંગ પર છે. બંને પક્ષોએ આરોગ્ય સંભાળ, શિક્ષણ, તાલીમ અને સંશોધનના ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે કરારો પર પણ હસ્તાક્ષર કર્યા. ક્વાત્રાએ કહ્યું કે એ વાત પર સહમતિ સધાઈ છે કે વર્ષ 2026ને ઈન્ડિયા-ફ્રાંસ ઈનોવેશન વર્ષ તરીકે ઉજવવામાં આવશે.
શેન્ઝેન વિઝા એટલે એવા વિઝા કે જે વ્યક્તિને કાયદેસર રીતે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જેમાં શેન્ઝેન એરિયા એ ઈયુ પાસપોર્ટ-ફ્રી ઝોન છે જે મોટાભાગના યુરોપિયન દેશોને આવરી લે છે, જે ટૂંકા રોકાણના વિઝા ધારકોને બોર્ડર નિયંત્રણો વિના સભ્ય દેશોમાં પ્રવાસન અથવા વ્યવસાય માટે 90 દિવસ સુધી મુસાફરી કરવાની મંજૂરી આપે છે. તે વૈશ્વિક સ્તરે સૌથી મોટો મફત મુસાફરી વિસ્તાર છે. શેન્ઝેન ઝોનમાં આવતા દેશો માટે તમારે અલગ અલગ વિઝા લેવાની જરૂરિયાત રહેતી નથી. શેન્ઝેન વિઝાથી તમે શેન્ઝેન ઝોનના 27 દેશોમાં મુસાફરી કરી શકો છે.