કેરોલના વકીલે માનહાનિ બદલ 10 મિલિયન ડોલર માંગ્યા હતા પણ જ્યૂરીએ તેના કરતા લગભગ આઠ ગણુ વધારે વળતર આપવાનો આદેશ આપ્યો
ન્યૂયોર્ક
ન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જ્યૂરીએ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લેખિકા ઈ જીન કેરોલને વળતર તરીકે અધધ..83.3 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
યૌન શોષણ અને બદનામીના આરોપમાં ટ્રમ્પ પર કેસ ચાલી રહ્યો હતો. કેરોલના વકીલે માનહાનિ બદલ 10 મિલિયન ડોલર માંગ્યા હતા પણ જ્યૂરીએ તેના કરતા લગભગ આઠ ગણુ વધારે વળતર આપવાનો આદેશ ટ્રમ્પને આપ્યો છે.
જ્યૂરીએ લગભગ 3 કલાક સુધી ચર્ચા વિચારણા બાદ વળતર આપવાનો નિર્ણય લીધો હતો. આ સમયે ટ્રમ્પ કોર્ટમાં હતા પણ અધવચ્ચે બહાર નીકળી ગયા હતા. જ્યૂરીને લાગ્યુ હતુ કે, ટ્રમ્પે લેખિકા કેરોલ અંગે જાહેરમાં કરેલી ટિપ્પણીઓથી કેરોલની બદનામી થઈ હતી.
જ્યૂરીએ જે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે તેમાં 65 મિલિયન ડોલર દંડની રકમ તેમજ લેખિકાની પ્રતિષ્ઠાને જે નુકસાન થયુ છે તે માટેના 11 મિલિયન ડોલરનો સમાવેશ થાય છે.
જોકે આ મામલામાં ટ્રમ્પની અકડ યથાવત છે. તેમણે જ્યૂરીના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવીને તેની સામે અપીલ કરવાનુ નક્કી કર્યુ છે. આ મામલાની સુનાવણી દરમિયાન કેરોલના વકીલ રોબર્ટા કેપ્લાન દ્વારા અંતિમ દલીલો શરુ કરવામાં આવી તેની ગણતરીની મિનિટોમાં ટ્રમ્પ અચાનક જ બહાર જવા માંડ્યા હતા. આ જોઈને તેમને સુરક્ષા આપી રહેલા સિક્રેટ સર્વિસના એજન્ટ પણ તેમની પાછળ ઉભા થયા હતા.
એ પછી ન્યાયાધીશે કહ્યુ હતુ કે, કોર્ટના રેકોર્ડમાં ટ્રમ્પ ઉઠીને અધવચ્ચે અદાલતની બહાર નીકળી ગયા હોવાની વાતને નોંધવામાં આવશે.