11 વર્ષની વયે બંને બહેનો યોગાનુયોગ સોશિયલ મીડિયા થકી અને એક ટેલેન્ટ શો થકી એક બીજાના પરિચયમાં આવી હતી
ત્બિલ્સિ
બોલીવૂડ ફિલ્મોમાં જોડિયા બાળકો છુટા પડે અને વર્ષો બાદ તેમનુ મિલન થાય તેવી ઘણી ફિલ્મો આવી ચુકી છે.
જોકે આપણી ફિલ્મોને ટક્કર મારે તેવી ઘટના યુરોપના દેશ જ્યોર્જિયામાં રીયલ લાઈફમાં બની છે. એમી અને એનો સરતાનિયા નામની બહેનોને જન્મ આપનાર અજા શોની નામની મહિલા 2002માં પ્રસુતિ દરમિયાન કોમામાં જતી રહી હતી. પરિવારની સ્થિતિ સારી નહી હોવાથી પિતાએ બંને બાળકીઓને અલગ અલગ પરિવારને વેચી દીધી હતી.
એનોનો ઉછેર જયોર્જિયાના ત્બિલિસીમાં થયો હતો અને એમી જુગદીદી નામના શહેરમાં મોટી થઈ હતી. બંને બહેનોને એક બીજાના અસ્તિત્વનો ખ્યાલ સુધ્ધા નહોતો. 11 વર્ષની વયે બંને બહેનો યોગાનુયોગ સોશિયલ મીડિયા થકી અને એક ટેલેન્ટ શો થકી એક બીજાના પરિચયમાં આવી હતી.
એનોએ એક ટીવી ટેલેન્ટ શોમાં ભાગ લીધો હતો. એમીએ તેને આ શોમાં ટીવી પર જોઈ હતી. પોતાના જેવો જ ચહેરો હોવાથી એમીને આશ્ચર્ય થયુ હતુ. જોકે તેને એવો અંદાજ તે વખતે પણ નહોતો આવ્યો કે આ મારી જોડીયા બહેન હોઈ શકે છે. બીજી તરફ એનોને એમીનો એક ટિકટોક વિડિયો જોવા મળ્યો હતો. એનો પણ પોતાના જેવી જ દેખાતી યુવતીને જોઈને દંગ રહી ગઈ હતી.
જોકે બંનેએ બહેનોએ ચહેરામાં સમાનતા જોઈને કુતુહલવશ ખણખોદ કરી ત્યારે તેમને સત્ય ખબર પડી હતી. એનો અને એમીને પોતે એક બીજાની બહેનો હોવાની અને સાથે સાથે જ્યોર્જિયાની એક હોસ્પિટલમાં પ્રસુતિ બાદ બંનેને તેમના પિતાએ વેચી દીધી હોવાની જાણકારી મળી હતી.
આમ બંને બહેનો એક બીજાને 19 વર્ષ બાદ મળી હતી. આ ઘટનાએ જયોર્જિયા શહેરમાં પણ હલચલ મચાવી દીધી છે અને લોકો તેને કુદરતની કમાલ ગણાવી રહ્યા છે.