હાલમાં પતિ-પત્ની યુકેમાં હેનવેલ ખાતે રહે છે, તેમણે ઓસ્ટ્રેલિયામાં 514 કિલો કોકેઈન પહોંચાડ્યું હોવાનો આરોપ સાબિત થઈ ગયો છે
લંડન
યુકેમાં બેઠા બેઠા ગુજરાતમાં ડબલ મર્ડર કરાવનાર ભારતીય મૂળના કપલ આરતી ધીર અને કંવલજિત રાયજાદા સામે યુકેમાં કોકેઈનના સ્મલગિંગનો ગુનો સાબિત થયો છે. ભારત સરકારે મર્ડર કેસમાં આ પતિ-પત્નીનો કબ્જો સોંપી દેવા યુકેને વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે અરજી નકારી કાઢી હતી. આ દરમિયાન આરતી અને કંવલ સામે લંડનથી સિડનીની કોમર્શિયલ ફ્લાઈટમાં 57 મિલિયન ડોલરના કોકેઈનનું સ્મગલિંગ કરવાનો ગુનો સાબિત થયો છે.
59 વર્ષની આરતી ધીર મૂળ નૈરોબીમાં જન્મેલી બ્રિટિશ ઈન્ડિયન છે જેનો પરિવાર પંજાબના ગુરદાસપૂરનો છે. જ્યારે તેનો 35 વર્ષીય પતિ કંવલજિત સિંહ રાયજાદા મૂળ ગુજરાતના કેશોદનો છે. વર્ષ 2017માં તેમણે ગોપાલ સેજાણી નામના 12 વર્ષીય છોકરા પર હુમલો કરાવ્યો હતો જેમાં છોકરાનો બનેવી તેને બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને વ્યક્તિના મોત નિપજ્યા હતા. પરંતુ ભારત સરકાર મુખ્ય આરોપીઓ આરતી ધીર અને તેના પતિ કંવલ રાયજાદાને યુકેથી અહીં લાવી શકી નથી.
હાલમાં પતિ-પત્ની યુકેમાં હેનવેલ ખાતે રહે છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં 514 કિલો કોકેઈન પહોંચાડ્યું હોવાનો આરોપ સાબિત થઈ ગયો છે. આ દંપતી એક ફ્રન્ટ કંપની ચલાવતું હતું અને તેની આડમાં વિદેશમાં કેફી પદાર્થો મોકલવામાં આવતા હતા. ઓસ્ટ્રેલિયન બોર્ડર પોલીસે મે 2021માં કોકેઈનનો જથ્થો શોધી કાઢ્યા બાદ તપાસમાં પગેરું આ કપલ સુધી પહોંચ્યું હતું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનો આરોપ છે કે આરતી ધીર અને તેનો પતિ ઉપરછલ્લી રીતે વાઈફ્લાય ફ્રેઈટ સર્વિસ કંપની ચલાવતા હતા, પરંતુ વાસ્તવમાં તેમનો ધંધો ડ્રગ્સના સ્મગલિંગનો હતો. ઓથોરિટીએ કોકેઈનનો જથ્થો પકડ્યો ત્યારે તેના પર રાયજાદાની ફિંગર પ્રિન્ટ્સ મળી આવી હતી.
આરતી ધીર અને રાયજાદા એક સમયે લંડનના હિથ્રો એરપોર્ટ પર એક ફ્લાઈટ સર્વિસ કંપનીમાં કામ કરતા હતા. તેથી તેમને એરપોર્ટ ફ્રેઈટ કેવી રીતે હેન્ડલ થાય છે તેની આખી પ્રક્રિયા ખબર હતી અને તેનો ઉપયોગ તેમણે પોતાની ક્રિમિનલ પ્રવૃત્તિમાં કર્યો હતો.
8 ફેબ્રુઆરી 2017ના રોજ ગુજરાતમાં કેશોદ ખાતે બે 12 વર્ષના છોકરા ગોપાલ સેજાણી અને તેના બનેવી હરસુખભાઈ છગનભાઈ કરદાણીની હત્યા કરવામાં આવી હતી જેમાં હત્યારા તરીકે નિતિશ મુંડનું નામ ખુલ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરતી ધીર અને તેના પતિ રાયજાદાએ મળીને આ હત્યા કરાવી હતી. આરતીએ 2015માં ગોપાલ સેજાણીને દત્તક લીધો હતો. તેણે ગોપાલના નામે યુકેમાં 1.20 કરોડનો વીમો ઉતરાવ્યો હતો અને પછી ક્લેમ મંજૂર કરાવવા માટે ગુજરાતમાં તેની હત્યા કરાવી નાખી હતી. હુમલાનો ભોગ બનનાર બંને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આરતી ધીર અને તેના પતિ રાયજાદાએ હત્યારાઓને ભાડે રાખવા માટે નીતિશ મુંડને પાંચ લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું કહેવાય છે.
ભારતે આ કપલને પ્રત્યાર્પણથી સોંપવા માટે 2019માં યુકે સરકારને વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે એમ કહીને વિનંતી ફગાવી દીધી હતી કે ગુજરાતમાં તેમને આજીવન કેદની સજા કરવામાં આવશે તો તેઓ વહેલા છુટી નહીં શકે. ભારત સરકારે યુકેને ઈમેઈલ કરીને એમ પણ જણાવ્યું હતું કે ધીર અને રાયજાદા અમુક વર્ષ પછી સજા માફી માટે અરજી કરી શકશે. છતાં યુકેએ ભારતની વાત માન્ય રાખી ન હતી. હવે તેઓ ડ્રગ સ્મગલિંગના કેસમાં ગુનેગાર સાબિત થયા છે. મર્ડર કેસ ચાલતો હતો ત્યારે યુકેના એક્સપર્ટ જૂનાગઢની જેલ જોવા આવ્યા હતા જેથી જેલની સ્થિતિ જોઈને નક્કી કરી શકાય કે બંનેને ભારત ડિપોર્ટ કરવા કે નહીં.