ઈડીની પૂછપરછ વચ્ચે સીએમ હેમંત સોરેનના સમર્થકો પણ રાંચીમાં સક્રિય થઈ ગયા અને મોટી સંખ્યામાં એકઠા થઈને દેખાવો કરવાની તૈયારી
રાંચી
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓ વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે ઈડીની ટીમ આજે બપોરે 1.15 વાગ્યે રાંચીના મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. ઈડીની ટીમ તેમની પાસેથી જમીન કૌભાંડ માં તેમની ભૂમિકા અંગે પૂછપરછ કરી રહી છે. સાત અધિકારીઓની ટીમ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ અત્યાર સુધીમાં હેમંત સોરનને 10 સમન્સ પાઠવ્યા છે.
ઈડીની પૂછપરછ વચ્ચે સીએમ હેમંત સોરેનના સમર્થકો પણ રાંચીમાં સક્રિય થઈ ગયા છે અને મોટી સંખ્યામાં એકઠા થઈને દેખાવો કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. હજુ એક દિવસ પહેલા રાજ્યપાલે ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવીને કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી માંગી હતી. સમાચાર એજન્સી અનુસાર, ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝારખંડમાં કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા બન્ના ગુપ્તાએ કહ્યું કે સોરેનની તપાસમાં સહકાર આપી રહ્યા છે, પરંતુ બંધારણીય સંસ્થાઓની ફરજ છે કે આવી તપાસ “યોગ્ય રીતે” કરવી જોઈએ. રાજ્યના કૃષિ મંત્રી બાદલ પત્રલેખે કહ્યું કે ‘તમામ ધારાસભ્યો મક્કમતાથી મુખ્યમંત્રીની સાથે ઉભા છે.’
જેએમએમ સમર્થકોએ સોરેન વિરુદ્ધ ઈડીની કાર્યવાહીના વિરોધમાં મોરહાબાદી મેદાન અને અન્ય કેટલાક સ્થળોએ દેખાવ કર્યો હતો. દેખાવકારોએ કહ્યું કે કેન્દ્રની સૂચના પર ઇડી દ્વારા અમારા મુખ્યમંત્રીને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે, અમે સમગ્ર રાજ્યમાં નાકાબંધીનો આશરો લઈશું.