સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું

Spread the love

આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળતા સુરતવાસીઓમાં આનંદ છવાયો

નવી દિલ્હી

ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ શરુ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

આ પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી. આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળતા સુરતવાસીઓમાં આનંદ છવાયો છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે.

સુરત પહેલા ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ ઉપરાંત રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. હાલ ધોલેરામાં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2023ની 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા સુરત આવ્યા હતા. ત્યારે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરતની જનતા અને અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ બે ભેટ મળી છે. ડાયમંડ બુર્સની સાથે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બીજી મોટી વાત એ છે કે હવે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘હું સુરતના લોકોને, ગુજરાતના લોકોને આ અદ્ભુત ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અભિનંદન આપું છું.’

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *