પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર સતત હુમલા વચ્ચે ડાબેરી પક્ષોના નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી
નવી દિલ્હી
ઈન્ડિયા ગઠબંધનને વધુ એક મોટો આંચકો લાગવાની તૈયારી છે. નીતીશ કુમાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી પર ગઠબંધન સાથે છેડો ફાડી શકે છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર સતત હુમલા વચ્ચે ડાબેરી પક્ષોના નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ ટૂંક સમયમાં જ ઈન્ડિયા ગઠબંધનથી કિનારો કરી લેશે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પ.બંગાળ પહોંચી ગઇ છે. ગુરુવારે ડાબેરી કાર્યકરો અને સમર્થકોની એક ભીડ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ હતી. સીપીઆઈ (એમ) ના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે પાર્ટીની કેન્દ્રીય સમિતિના સભ્ય સુજન ચક્રવર્તી અને અન્ય નેતાઓ સાથે રઘુનાથગંજ ખાતે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
સીપીઆઈએમના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે દાવો કર્યો કે ડાબેરી પક્ષો આરએસએસ-ભાજપ અને અન્યાય વિરુદ્ધ લડાઈનો હિસ્સો બનવા માટે કોંગ્રેસની આ યાત્રામાં જોડાયા છે. અમે ભાજપ અને આરએસએસ સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રા પણ તેના માટે જ છે. અમે ભારતના લોકતંત્રને બચાવવા માગીએ છીએ. આપણે આ યાત્રા પ્રત્યે એકજૂટતા બતાવવી પડશે. ઉલ્લેખનીય છે કે સલીમ અને રાહુલ ગાંધી વચ્ચે આશરે 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી.