અમદાવાદ-મસ્કત સીધી ફ્લાઈટ શરૂ કરવા માગણી

Spread the love

મસ્કતમાં લગભગ 50,000થી વધારે ગુજરાતીઓ રહે છે, જેમાંથી મોટી સંખ્યામાં કચ્છવાસીઓનો સમાવેશ થાય છે


અમદાવાદ
ગુજરાતમાં તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં રાજ્યને અન્ય રાજ્યો સાથે જોડવા અને રાજ્યના શહેરોને એક બીજા સાથે જોડવા એર કનેક્ટિવિટીને વિસ્તારવા માટે જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દેશથી દૂર રહેતા મસ્કતવાસીઓને ફરી આશા જાગી છે કે તેમની ઘણા સમયની માગણી પૂરી થશે. મસ્કતમાં લગભગ 50,000થી વધારે ગુજરાતીઓ રહે છે. જેમાંથી મોટી સંખ્યામાં કચ્છવાસીઓનો સમાવેશ થાય છે.
મૂળ ગુજરાતના આ લોકો વર્ષોથી કામધંધા માટે મસ્કત જઈ વસ્યા છે. જોકે વિશ્વના ગમે તે ખૂણે હોઈએ, વતન તો યાદ આવે જ. આ મસ્કતના ગુજરાતીઓને પણ વતન પર એટલો જ પ્રેમ છે, પરંતુ હાલમાં તેમની માટે સમસ્યા એ ઊભી થઈ છે કે પોતાના વતન આવવા માટે સીધી ફ્લાઈટ નથી. મસ્કતથી અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ એર કનેક્ટિવિટી ન હોવાથી અહીંના લોકોએ ફરી ફરીને મુંબઈ અથવા અમદાવાદ કે સુરત પહોંચવું પડે છે. આ અંગે કેન્દ્ર અને રાજ્યની સરકાર સામે વારંવાર રજૂઆત થઈ હોવા છતાં સમસ્યાનો નિવેડો આવતો નથી.
આ અંગે મસ્કત ગુજરાતી સમાજના કન્વીનર ચંદ્રકાન્ત છોટાણીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાની મહામારી પહેલા મસ્કત-અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં 17 ફ્લાઈટ હતી. હાલમાં એક પણ ફ્લાઈટ ન હોવાથી વડિલો, બાળકો સૌને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે અને મોંઘુ પણ પડે છે. જો નિયમિત ફ્લાઈટ શરૂ ન થઈ શકે તેમ હોય તો અઠવાડિયામાં એક કે બે ફ્લાઈટ શરૂ થાય તે પણ આવકારદાયક છે.
થોડા સમયમાં વેકેશન પડશે અને બાળકો સાથે પરિવારોને પોતાના વતનમાં થોડો સમય પસાર કરવો હોય કે સારા માઠા પ્રસંગોમાં આવવું હોય તો ગુજરાતને કનેક્ટ કરતી ડાયરેક્ટ ફ્લાઈટ હોવી જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજયની સરકારે સકારાત્મક રીતે અમારી વાત સાંભળી છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે મસ્કતના ગુજરાતીઓ માટે સીધી ફ્લાઈટ શરૂ થાય. આ અંગે અગાઉ નોન રેસિડેન્સ ગુજરાતી (એનઆરજી) વિભાગે કહ્યું હતું કે તેમની માગણી અમે સંબંધિત કેન્દ્રીય ખાતા સમક્ષ રજૂ કરી છે અને અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *