ઉમરાહ માટે જઈ રહેલી બેમાંથી ફક્ત એક જ મહિલા મુસલમાન હતી, બીજી મહિલા મુસ્લિમ નહોતી
અમદાવાદ
થોડા દિવસ પહેલા જ અમદાવાદ એરપોર્ટ અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યું હતું. એન્ટ્રી ગેટથી લઈને ચેક-ઈન કાઉન્ટર્સ સુધી ધીમી પ્રક્રિયાને કારણે પેસેન્જરોની લાંબી લાઈન લાગે છે. જેનાથી લોકોને હાલાકી થઈ રહી છે. દરમિયાન હવે અહેવાલ સામે આવ્યા છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુરખો પહેરેલી બે મહિલાઓને રોકવામાં આવી છે. આ બંને મહિલાઓ ઉમરાહ માટે જેદ્દાહ જવાની હતી. ઈમિગ્રેશન પ્રોસેસ દરમિયાન ભાવનગરની આ બંને મહિલાઓને ઓથોરિટીઝ દ્વારા રોકવામાં આવી હતી. બંને મહિલાઓ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6ઈ91 મારફતે સાઉદી અરેબિયાના જેદ્દાહ જવાની હતી.
ચોંકાવનારી વાત તો એ છે કે, ઉમરાહ માટે જઈ રહેલી બેમાંથી ફક્ત એક જ મહિલા મુસલમાન હતી. બીજી મહિલા મુસ્લિમ નહોતી અને તેની પૂછપરછ દરમિયાન જ ઓફિસરોને શંકા ગઈ હતી. ઈમિગ્રેશન કાઉન્ટર પર બિનમુસ્લિમ મહિલાએ દાવો કર્યો હતો કે, તે ઉમરાહ કરવા સાઉદી અરેબિયા જઈ રહી છે. પરંતુ તેની કેટલીક વાતો ગોળગોળ હતી જેના કારણે ઓફિસરોને તેના પર શંકા ગઈ હતી. છેવટે ઈમિગ્રેશન ઓફિસરોએ આ મહિલાને રોકી હતી અને વધુ તપાસ માટે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ને મામલો સોંપવામાં આવ્યો છે. દરમિયાન સિક્યોરિટી ચેક બાદ ઈમિગ્રેશન ઓફિસરોની પૂછપરછમાં આ મહિલા સાથે મુસાફરી કરી રહેલી અન્ય મહિલા મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતું.
સૂત્રોનું માનીએ તો, વિઝા રેગ્યુલેશન પ્રમાણે, ઉમરાહ માટે જેદ્દાહ જઈ રહ્યા હો તો તમારું મુસ્લિમ હોવું જરૂરી છે. જો તમે મુસ્લિમ હો તો જ ઉમરાહ માટે વિઝા મંજૂર થાય છે. સ્થાનિક અખબાર અમદાવાદ મિરરને સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, “બિનમુસ્લિમ મહિલાને ઉમરાહ માટેના વિઝા મળવા અને તે મેળવવામાં કઈ રીતે સફળ રહી તે અંગેના સંતોષકારક જવાબ તેણી નહોતી આપી શકી. જેના લીધે ઈમિગ્રેશન ઓફિસરોને તેના ઉપર શંકા ગઈ હતી.”
હાલ આ મુદ્દે ઓથોરિટીઝ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઈમિગ્રેશન ઓફિસરોએ બિનમુસ્લિમ મહિલાની અટકાયત કરતાં તેણે રોષે ભરાઈ હતી. આ મહિલા ઈમિગ્રેશન અધિકારીઓને સંતોષકારક જવાબ ના આપી શકી પરંતુ તેની પાસેથી કોઈ પ્રતિબંધિત કે શંકાસ્પદ વસ્તુ તપાસમાં નહોતી મળી આવી. તેમ છતાં અધિકારીઓએ બંને મહિલાઓને જેદ્દાહની ફ્લાઈટમાં બેસતી અટકાવી હતી અને બંનેને ભાવનગર પાછા જવાની સૂચના આપી હતી. ભાવનગરમાં આ બંને મહિલાઓ ક્યાં રહે છે તેની માહિતી પોલીસે મેળવી લીધી છે. સાથે જ સ્થાનિક પોલીસને પણ આ વિશે જાણકારી આપી દેવામાં આવી છે. એવામાં હાલ તો સવાલ ઉઠી રહ્યો છે કે બિનમુસ્લિમ મહિલા શા માટે ઉમરાહ કરવા જઈ રહી હતી? ઉમરાહ માટેના વિઝા તેણે કેવી રીતે મેળવ્યા? કોની મદદથી વિઝા મેળવવામાં તેણી સફળ રહી?