આગ પર કાબુ મેળવવામાં માટે 19 હેલિકોપ્ટર અને 450થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા
વાલ્પારાઇસો
મધ્ય અને દક્ષિણ ચિલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 99 થઈ ગયો છે જેમાંથી હાલ 32 મૃતકોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આગ પર કાબુ મેળવવામાં માટે 19 હેલિકોપ્ટર અને 450થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 1,600 ઘરો બળીને ખાખ થયા છે. આ ઉપરાંત હજારો લોકોને તેમના ઘર ખાલી કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના પ્રવાસી શહેર વિના ડેલ મારની આસપાસના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહમંત્રી કેરોલિના તોહા એ કહ્યું કે વાલપરાઈસોમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે દેશ 2010ના ભૂકંપ પછીની સૌથી ખરાબ આફતનો સામનો કરી રહ્યો છે. વાલપરાઈસો વિસ્તારમાં ત્રણ આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કહ્યું કે હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે.
ચિલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી, પરંતુ આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થાય છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે અને આ જ કારણ છે કે સંકટ વધારે વધી ગયું છે. આગ મુખ્યત્વે દરિયાકાંઠે આવેલા વાલપરાઈસો પ્રવાસી વિસ્તારની આસપાસ ફાટી નીકળી હતી, જ્યાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે, જેના કારણે સંકટ વધી રહ્યું છે. ભયાનક આગને કારણે ચિલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.