જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
જૂનાગઢ
જૂનાગઢમાં એક કાર્યક્રમમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપનાર ઈસ્લામિક ઉપદેશક મૌલાના મુફ્તી સલમાન અઝહરીની સોમવારે મુંબઈના ઘાટકોપરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ અને ગુજરાતની એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા ધરપકડ કરાયેલા મુફ્તી સલમાન અઝહરીને કડક સુરક્ષા વચ્ચે જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. આજે મુફ્તી અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વક્તા તરીકે મુ્ંબઇના મૌલાના મુફ્તિ સલમાન અઝહરીને બોલાવાયા હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાના ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાયરલ થયા હતા આ વીડીઓ વાયરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલામન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. કેસની ગંભીરતા જોતાં ગુજરાત એટીએસ પણ હરકતમાં આવી હતી. એટીએસની ટીમ મુંબઇ પહોંચી ગઇ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસ સ્થાને પહોંચી તેની અટક કરી લીધી હતી.