વિનેશે તેના અનુભવથી મધ્યપ્રદેશની જ્યોતિને 4-0 થી હરાવી હતી, આ ટોચની પહેલવાન ઊંચા વજન વર્ગમાં ભાગ લઈ રહી હતી
નવી દિલ્હી
સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટે મેટ પર ધમાકેદાર એન્ટ્રી સાથે વાપસી કરી છે. એશિયન ગેમ્સની ચેમ્પિયન વિનેશ ફોગાટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ની એડહોક સમિતિ દ્વારા આયોજીત સીનિયર રાષ્ટ્રીય કુશ્તી ચેમ્પિયનશીપમાં 55 કિલોગ્રામ વજનનો સ્વર્ણ પદક જીત્યો હતો. વિનેશે તેના અનુભવથી મધ્યપ્રદેશની જ્યોતિને 4-0 થી હરાવી હતી, જ્યારે આ ટોચની પહેલવાન ઊંચા વજન વર્ગમાં ભાગ લઈ રહી હતી.
રેલ્વે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (આરએસપીબી)નું પ્રતિનિધિત્વ કરી રહેલી 29 વર્ષીય વિનેશ ફોગાટે 2018 જાકાર્તા એશિયાઈ રમતોમાં 50 કિલોગ્રામનો સ્વર્ણ પદક જીત્યો હતો. જ્યારે 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં 53 કિલોગ્રામ વજન વર્ગનું ટાઈટલ જીત્યુ હતું. ઓલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિકે વિનેશને ગોલ્ડ મેડલ પહેરાવ્યો હતો. સાક્ષી મલિકે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
આ સિવાય એક મુકાબલામાં 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપના રજત પદકની વિજેતા હરિયાણાની અંશુ મલિકે 2020 એશિયાઈ ચેમ્પિયનશિપની સ્વર્ણ પદક વિજેતા સરિતા મોર (રેલવે)નો 59 કિલોગ્રામ વજન વર્ગમાં 8-3થી હરાવી હતી. હરિયાણાએ 189 અંક સાથે ટાઈટલ મેળવ્યું હતું. RSPબી 187 અંક સાથે બીજા નંબરે હતી જ્યારે પોંડુચેરી 81 અંક સાથે ત્રીજા સ્થાન પર હતો.