એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રોજગારીના અધિકારો તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી
વોશિંગ્ટન
અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક ગૂડ ન્યૂઝ છે. તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકામાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે અમેરિકામાં જ કામ કરી શકશે. જેના માટે રાષ્ટ્રપતિ બાઇડનની સરકારે મોટો નિર્ણય કર્યો છે.
માહિતી અનુસાર અમેરિકી સેનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ્સ વચ્ચે લાંબી ચર્ચા વિચારણાં બાદ નેશનલ સિક્યોરિટી એગ્રિમેન્ટ નામે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જે મુજબ એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં રોજગારીના અધિકારો તથા તેમના સંતાનોના અધિકારોની સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો લગભગ 1 લાખ એચ-4 વિઝા ધારકોને તેનો લાભ મળશે જેઓ અમેરિકામાં કામ કરી શકશે. ઉલ્લેખનીય છે કે એચ-1બી વિઝાધારકોના જીવનસાથી કે સંતાનોને જ એચ-4 વિઝા આપવામાં આવે છે.
નેશનલ સિક્યુરિટી એગ્રીમેન્ટ હેઠળ 118.28 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બિલમાં એચ-1બી વિઝા ધારકોના બાળકોના અધિકારોની સુરક્ષા કરવા, આ શ્રેણીના લોકોને રોજગાર અધિકાર આપવા અને ગ્રીન કાર્ડ ક્વોટા વધારવાની માંગ કરાઈ છે. બિલ હેઠળ આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 18,000 લોકોને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મળશે.
વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર 30 વર્ષમાં પહેલીવાર ઈમિગ્રન્ટ વિઝા મર્યાદામાં વધારો કરાયો છે. હવેથી દર વર્ષે 50 હજાર વિઝા આપવામાં આવશે. જેની સાથે આગામી પાંચ વર્ષમાં 2.50 લાખ વિઝા આપવામાં આવશે. તેમાંથી 1.60 લાખ વિઝા પરિવાર આધારિત હશે અને 90 હજાર રોજગાર આધારિત હશે.