બે ભૂતપૂર્વ વડાપ્રધાનો અને કૃષિ વૈજ્ઞાનિકને રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન આપવાની વડાપ્રધાન મોદીની ટ્વીટર પર જાહેરાત
નવી દિલ્હી
તાજેતરમાં જ ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે સાથે કૃષિ વિજ્ઞાની ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
વડાપ્રધાન મોદીએ અગાઉ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી અને હવે ફરી તેમણે વધુ હસ્તીઓના નામ ભારત રત્ન માટે જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
ખેતી અને ખેડૂતોના કલ્યાણ માટે વિજ્ઞાની ડૉ. એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમણે ભારતીય ખેતીના ક્ષેત્રનું આધુનિકરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક ઈનોવેટર, મેન્ટર તરીકે પ્રખ્યાત હતા. દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં પણ તેમની ભૂમિકા રહી હતી.
આ સાથે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવ ગારુને પણ ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, સાંસદ, વિધાનસભાના સભ્ય તરીકે પણ વર્ષો સુધી તેમની યાદગાર સેવાઓ આપી હતી. તેમના દૂરદર્શી વિચારોએ જ ભારતીય અર્થતંત્રને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતની સમૃદ્ધિ અને વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને પણ અમે ભારત રત્નથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આ સન્માન દેશ માટે તેમના અતુલનીય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના અધિકાર અને તેમના કલ્યાણ માટે આખું જીવન સમર્પિત કરી દીધું હતું. યુપીના મુખ્યમંત્રી રહી ચૂકેલા કે દેશના ગૃહમંત્રી અને આટલું જ નહીં એક ધારાસભ્ય તરીકે પણ તેમણે રાષ્ટ્ર નિર્માણને ગતિ આપી હતી. તે દેશમાં લદાયેલી કટોકટીના વિરોધમાં પણ મજબૂત રીતે ઊભા રહ્યા હતા.’
તાજેતરમાં જ બિહારના સ્વર્ગીય નેતા કર્પુરી ઠાકુર અને ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીને પણ ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત થઈ હતી. કર્પુરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવશે જે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. અત્યાર સુધીમાં 50 લોકોને ભારત રત્ન અપાયા છે અને તેમાં હવે વધુ ત્રણ નામનો ઉમેરો થયો છે.
વડાપ્રધાને ટ્વિટર પર પોસ્ટ કરી છે જેમાં ચૌધરી ચરણ સિંહ, નરસિંહા રાવ અને વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથનની સિદ્ધિઓ ગણાવી છે અને તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે તેમ જણાવ્યું છે. ચૌધરી ચરણ સિંહ વિશે તેમણે લખ્યું છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા તે અમારી સરકાર માટે સૌભાગ્યની વાત છે. તેમણે દેશ માટે આપેલા બેજોડ યોગદાન માટે આ સન્માન અપાઈ રહ્યું છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના હક અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. યુપીના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી, તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે કામ કર્યું હતું. ઈમરજન્સી દરમિયાન તેમણે લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને દેશને પ્રેરણા આપી હતી.