ઉશ્કેરાયેલા નાના ભાઈએ લાકડા વડે મોટાભાઇ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો
વાપી
વાપીના કોળીવાડમાં ગઇકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા નાનાભાઇ મોટાભાઇ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલીમાં મોહંમદ લતીફ મુરીદે મન્સુરી પરિવાર સાથે રહેતો હતો. ગઇકાલે શુક્રવારે મોડીસાંજે લતીફ મન્સુરીએ બાજુમાં રહેતા નાનાભાઇ સફીક મન્સુરીની પત્નીને ઉછીના આપેલા રૂ.200 પરત આપવા જણાવ્યું હતું. જો કે સફીકની પત્નીએ ગાળાગાળી કરી ઝઘડો કરી રૂમમાં ચાલી ગઇ હતી. રાત્રે સફીક ઘરે આવ્યો ત્યારે પતિ વાત કરી હતી. બાદમાં સફીક બાજુમાં રહેતા મોટાભાઇ લતીફના ઘરે ગયો હતો. સફીકે મોટાભાઇને મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરી ? એમ કહી ગાળો આપી ઝઘડો કર્યો હતો.
બાદમાં ઉશ્કેરાયેલા સફીકે લાકડા વડે મોટાભાઇ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા ચાલી માલિક સહિત લોકો દોડી ગયા હતા. જો કે માથાના ભાગે ગંભીર ઇજા થતા લતીફ અન્સારીનું (ઉ.વ.40) ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસ પણ દોડી ગયા બાદ લાશનો કબજો લઇ ચલા સીએચસીમાં મોકલી દીધી હતી. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. માત્ર રૂ.200ના મુદ્દે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.