પોલીસે રોબરીનો વીડિયો ધ્યાનથી ચેક કર્યો ત્યારે તે ફેક હોવાનો ભાંડો ફુટતાં રાજ પટેલ અને ડેની કર્ટિસ સામે તપાસ કરી
જ્યોર્જિયા
અમેરિકાના જ્યોર્જિયામાં ગેસ સ્ટેશન પર કામ કરતા એક ગુજરાતી યુવકને પાંચ હજાર ડોલરની ફેક રોબરીની ગોઠવણ કરવા જતાં ફસાવવાનો વારો આવ્યો છે.
અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, ગ્વિનેટ કાઉન્ટીના ડલુથ સિટીમાં 21 જાન્યુઆરી 2023માં બનેલી આ ઘટનામાં સ્થાનિક પોલીસે રાજ પટેલ તેમજ ફેક રોબરીમાં તેને સાથ આપનારા ડેની કર્ટિસ નામના બીજા એક વ્યક્તિને આરોપી બનાવ્યા છે.
પોલીસે આ કહેવાતી રોબરીનો વિડીયો ધ્યાનથી ચેક કર્યો ત્યારે તે ફેક હોવાનો ભાંડો ફુટતાં તેની ગોઠવણ કરનારા રાજ પટેલ અને ડેની કર્ટિસ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ફેક રોબરી બફર્ડ હાઈવે પર આવેલા શેલ સ્ટેશન પર બની હતી, અને કેશ કાઉન્ટર પર લાગેલા કેમેરામાં પણ તે કેપ્ચર થઈ હતી.
ફેક રોબરીના એક અઠવાડિયા બાદ પોલીસે તેના સીસીટીવી ફુટેજનો રિવ્યૂ કર્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે લૂંટ કરવા આવેલા વ્યક્તિએ કેશ કાઉન્ટર પર ઉભેલા રાજ પટેલને મોઢા પર પંચ મારવાનું નાટક કર્યું હતું, અને ત્યારબાદ રાજ પટેલ તેને જરાય વાગે નહીં તે રીતે સાચવીને કાઉન્ટર પાસે જ ઢળી પડ્યો હતો અને પછી ફેક રોબરીમાં રાજ પટેલ સાથે સામેલ ડેની કર્ટિસ કેશ કાઉન્ટરમાં રહેલી પાંચ હજાર ડોલર જેટલી રકમ લૂંટીને ભાગી ગયો હતો.