પંજાબ અને હરિયાણાની સરહદો પર પોલીસના ડ્રોનનો જવાબ ખેડૂતો પતંગ ઉડાવીને આપી રહ્યા છે
નવી દિલ્હી
ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો કે ખેડૂતોએ પોતાની રીતે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમનો આ અસરદાર ઉપાય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ છે. દિલ્હી સાથે જોડાયેલી સરહદો પર તેઓ શણની થેલીઓ, પતંગો અને મુલતાની માટીનો સહારો લઈ રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે.
ખેડૂતોના ‘દિલ્હી ચલો’ વિરોધ પ્રદર્શન પર લગામ કસવા માટે પોલીસ ટીયર ગેસના શેલ છોડનારા ડ્રોનની મદદ લઈ રહી છે. હવે પંજાબ અને હરિયાણાની સરહદો પર પોલીસના ડ્રોનનો જવાબ ખેડૂતો પતંગ ઉડાવીને આપી રહ્યા છે. તેમને એવી આશા છે કે ડ્રોન પતંગમાં ફસાઈ જશે અને તૂટી પડશે.
આ ઉપરાંત ખેડૂતોએ ઠંડક માટે જાણીતી મુલતાની માટીની મદદ પણ લીધી છે. ટીયર ગેસના કારણે થતી બળતરાથી બચવા માટે તેઓ તેને ચહેરા પર લગાવી રહ્યા છે. ટીયર ગેસના શેલની અસર ઘટાડવા માટે ખેડૂતો ભીની શણના કોથળાઓનો ઉપયોગ કરી રહ્યા છે. મંગળવારે જ ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યાં ભીડને વેર-વિખેર કરવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્રણ કેન્દ્રીય મંત્રીઓ તેમની માંગણીઓને લઈને આજે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે બેઠક કરશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંધેરે કહ્યું કે સાંજે 5:00 વાગ્યે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ અંગે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર વચ્ચેની બેઠકનો આ ત્રીજી બેઠક યોજાશે. આ પહેલા બંને પક્ષો વચ્ચે બે બેઠકો અનિર્ણિત રહી હતી.