હુથીઓ દ્વારા રાતા સમુદ્રમાં અમેરિકા અને બ્રિટનના જહાજો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા જેના બાદ અમેરિકાએ આ પગલું ભર્યું
વોશિંગ્ટન
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝા અને પેલેસ્ટાઈનના મુદ્દાઓને સમર્થન આપનારા યમનના હુથી બળવાખોરોએ અમેરિકા અને તેના સહયોગી દેશોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. રાતા સમુદ્રમાં એક પછી એક હુમલાઓને કારણે વેપારી જહાજોની અવર-જવર પર માઠી અસર થઇ અને તેના પગલે રાતા સમુદ્રના જળમાર્ગથી વેપાર કરતાં દેશોને મોટું નુકસાન સહન કરવું પડ્યું. આ સૌની વચ્ચે અમેરિકા અને તેના સહયોગી દેશોએ હુથીઓને કાબૂમાં લેવા માટે તેમના પર હવાઈ હુમલા પણ શરૂ કરી દીધા છે. હવે આ જ દિશામાં અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે.
અમેરિકાએ હવે સત્તાવાર રીતે યમનના હુથી સંગઠનોને ફરી વૈશ્વિક આતંકી સમૂહ જાહેર કરી દીધું છે. હુથીઓ દ્વારા રાતા સમુદ્રમાં અમેરિકા અને બ્રિટનના જહાજો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા જેના બાદ અમેરિકાએ આ પગલું ભર્યું હોવાના અહેવાલ છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યાનુસાર અમેરિકી કોસ્ટ ગાર્ડ દ્વારા હુથીઓ દ્વારા નિયંત્રિત એક જહાજને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આ જહાજ ઈરાની મૂળનું હોવાનો દાવો કરાયો છે અને તે યમન જઈ રહ્યું હતું. તેમાં ગેરકાયદે હથિયારો અને સૈન્ય ઉપકરણો મોકલાઈ રહ્યા હોવાની માહિતી છે. અમેરિકી કોસ્ટ ગાર્ડ દ્વારા 200થી વધુ પેકેજ જપ્ત કરાયા હતા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યાનુસાર હુથી નિયંત્રિત આ જહાજ પર મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ, વિસ્ફોટક મિસાઈલ લોન્ચિંગ સિસ્ટમ અને કમ્યુનિકેશન સંબંધિત વસ્તુઓ હોવાના અહેવાલ છે.