તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે અને અહીં ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે
વેમ્બાકોટ્ટઈ
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટઈમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે ,જેમાં ફેક્ટરીમાં કામ કરતા 8 શ્રમિકો જીવતા ભૂંજાયા છે, જ્યારે 6 અન્ય શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ફટકડાની ફેક્ટરી મુથુસમીપુરમમાં આવેલી છે, જેના માલિકનું નામ વિજય હોવાનું કહેવાય છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બ્લાસ્ટમાં સાત શ્રમિકોના મોત થયા હતા, જ્યારે બે શ્રમિકોના હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ મોત થયા હતા.
આ ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં જ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે અને અહીં ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે. અગાઉ ગયા વર્ષે પણ ફટાકડાની બે ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. આ અલગ-અલગ બે ઘટનામાં 11 લોકોનો મોત થયા હતા જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.