જો આવી કોઈ ઘટના બનશે, તો હું તમને સૌથી પહેલા જણાવીશ, કમલનાથે પત્રકારોને કહ્યું
નવી દિલ્હી
મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે ભાજપમાં જોડાવાની અટકળો પર કમલનાથની પહેલી પ્રતિક્રિયા આવી છે. કમલનાથે પત્રકારોને કહ્યું કે, ‘જો આવી કોઈ ઘટના બનશે, તો હું તમને સૌથી પહેલા જણાવીશ.’ તો કમલનાથ છિંદવાડામાં પોતાનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને દિલ્હી પહોંચી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 ફેબ્રુઆરીએ કમલનાથ અને તેમના છિંદવાડાના સાંસદ પુત્ર નકુલનાથ પણ ભાજપમાં જોડાઈ શકે છે. સમર્થકોએ એવો પણ દાવો કર્યો હતો કે કમલનાથની સાથે 10થી 12 ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી શકે છે. જો આવુ થાય તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ સૌથી મોટો ઝટકો હશે.
કમલનાથના પુત્ર નકુલનાથે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કોંગ્રેસ હટાવ્યું છે. કમલનાથના નજીકના સજ્જન વર્માએ પણ એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસનો લોગો હટાવી દીધો છે.
અગાઉ પણ કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ ત્યારે કમલનાથે આ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. 9 વખત સાંસદ, 2 વખત ધારાસભ્ય, રાજ્યના પૂર્વ સીએમ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કમલનાથને મજબૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કમલનાથ ઈચ્છતા હતા કે આ વખતે પાર્ટી તેમને રાજ્યસભામાં મોકલે પરંતુ તેમ થઈ શક્યું નહીં. કોંગ્રેસે અશોક સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કારણે તેમની નારાજગી વધી ગઇ હતી. તેમણે પાર્ટીના ઉમેદવારના નોમિનેશનમાં પણ ભાગ લીધો ન હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે આ મામલે કહ્યું કે ‘મારી કમલનાથ સાથે વાતચીત થઇ છે. તે છિંદવાડામાં છે અને તે એવી વ્યક્તિ છે જેમણે તેમની રાજકીય કારકિર્દી નહેરુ-ગાંધી પરિવાર સાથે શરૂ કરી હતી. તમે આવી વ્યક્તિ પાસેથી સોનિયા ગાંધી, ઈન્દિરા ગાંધીના પરિવારને છોડવાની આશા ન રાખી શકો. તેમની તો શરૂઆત જ આ પરિવારો સાથે થઇ છે.’