સ્ટુડન્ટ વિઝામાં પણ 15 ટકાનો ઘટાડો નોંધાયો, આ મુદ્દા પર કેનેડાના હાઈ કમિશન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી
નવી દિલ્હી
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સબંધો બગડયા બાદ ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટસને ગત વર્ષે દેશ છોડવા માટે આદેશ આપી દીધો હતો.
બંને દેશોના વણસેલા સબંધોની અસર દેખાઈ રહી છે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપનો હવાલો સંભાળતા વિભાગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ આંકડા પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના સમયગાળામાં કેનેડાએ 69203 વિઝા અરજીઓ મંજૂર કરી છે અને 2022માં આ જ સમયગાળામાં કેનેડાએ ભારતની 1. 19 લાખ વિઝા અરજી પ્રોસેસ કરી હતી. આમ વિઝા અરજીના પ્રોસેસમાં 42 ટકાનો ઘટાડો થયો છે.
સ્ટુડન્ટ વિઝાની વાત કરવામાં આવે તો આ જ સમયગાળામાં અપાયેલા સ્ટુડન્ટ વિઝામાં પણ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર આ મુદ્દા પર કેનેડાના હાઈ કમિશન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
જોકે સ્ટુડન્ટ વિઝામાં થયેલો ઘટાડો આશ્ચર્ય પમાડે તેવો પણ નથી. કારણકે ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપનો હવાલો સંભાળતા વિભાગે ગત ઓક્ટોબરમાં જ ચેતવણી આપી હતી કે, ભારતમાં કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઘટવાના કારણે વિઝા અરજીઓ પર પ્રતિકુળ અસર પડશે. કારણકે અમારી પાસે હવે વિઝા અરજીઓ પર કામ કરનારા કર્મચારીઓની સંખ્યા ઘટી ગઈ છે.
આ વાત સાચી પણ પડી છે અને ભારતમાંથી કેનેડાના વિઝા માટે પ્રોસેસ થતી અરજીઓની સંખ્યા ઘટી છે અને નજીકના ભવિષ્યમાં પણ આ ઘટાડો ચાલુ રહે તેવી શક્યતા છે.
ગત વર્ષે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચેના સબંધોમાં મોટી તિરાડ પડી હતી. હજી પણ બંને દેશોના રાજદ્વારી સબંધો સુધરે તેવા એંધાણ દેખાતા નથી.