પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ખુલાસો કરી દીધો છે કે મેં ગઠબંધન સરકારની ફોર્મ્યૂલા સ્વીકારવાની જ ના પાડી દીધી
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં ચૂંટણી મજાક બનીને રહી ગઈ છે. પહેલાં હિંસક ચૂંટણી બાદ પરિણામોમાં ગરબડની વાત સામે આવી. હવે પરિણામ જાહેર થયા બાદ પણ કોઈ પાર્ટીની સરકાર રચાતી દેખાઈ રહી નથી જેના લીધે ફરી ચૂંટણી યોજાશે તેવી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ચોંકાવનારા અહેવાલ તો એ છે કે અત્યાર સુધી એવી વાત થઈ રહી હતી કે બિલાવલની પાર્ટી પીપીપી નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન સાથે ગઠબંધન કરીને સરકાર રચી શકે છે પરંતુ હવે એ વાતને પણ બિલાવલ દ્વારા જ રદીયો આપી દેવાયો છે.
ખરેખર તો પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ખુલાસો કરી દીધો છે કે મેં ગઠબંધન સરકારની ફોર્મ્યૂલા સ્વીકારવાની જ ના પાડી દીધી છે. મને વડાપ્રધાન પદ ઓફર કરાયું હતું પરંતુ મેં તે પણ નથી સ્વીકાર્યું. હું ફક્ત પ્રજાના જનાદેશ પર જ આ પદ સ્વીકારીશ.
35 વર્ષીય પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભટ્ટો ઝરદારી પીપીપીના વડાપ્રધાન પદના ચહેરો હતા. જોકે 8 ફેબ્રુઆરીએ આયોજિત ચૂંટણીમાં તેમની પાર્ટી નેશનલ એસેમ્બલીમાં 54 બેઠકો સાથે ત્રીજા ક્રમે રહી હતી. જેલમાં કેદ ઈમરાન ખાનની પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીને સૌથી વધુ બેઠકો મળી હતી અને નવાઝ શરીફની પીએમએલ-એન પાર્ટી બીજા ક્રમે રહી હતી.