મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલનો રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય

નવી દિલ્હી
ભારતના પાંચ દિગ્ગજ ખેલાડીઓ હવે મેદાનમાં જોવા નહીં મળે. મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલે રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. આ તમામ ખેલાડીઓએ ભારત માટે રમવાની સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ પોતાની ખાસ છાપ છોડી છે. બંગાળના દિગ્ગજ ખેલાડી મનોજ તિવારી, ઝારખંડના બેટર સૌરભ તિવારી અને ફાસ્ટ બોલર વરુણ એરોન, મુંબઈના ધવલ કુલકર્ણી અને વિદર્ભના ફૈઝ ફઝલે નિવૃત્તિ માટે અલગ-અલગ કારણો આપ્યા છે. જેમાં IPL માટે કરાર ન હોવો અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાની આશા ગુમાવવી પણ સામેલ છે. હવે આ ખેલાડીઓ અન્ય કામ અથવા રાજકારણમાં જોડાવા માંગે છે.
વરુણ એરોન, મનોજ તિવારી અને ફૈઝ ફઝલે જે મેદાન પર પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત કરી હતી તે જ મેદાન પર તેઓએપોતાના કરિયરને અલવિદા કહ્યું હતું. બંગાળના 38 વર્ષીય મનોજ તિવારીએ ગઈકાલે બિહાર સામે પોતાની ટીમને જીત અપાવીને પોતાની ટીમને અલવિદા કહ્યું હતું. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન છે. તેણે ભારત માટે 12 વન-ડે અને 3 ટી20આઈ મેચ રમી છે.
ફાસ્ટ બોલર વરુણ એરોન અને સૌરભ તિવારીના નિવૃત્તિથી ઝારખંડની ટીમમાં મોટો શૂન્ય સર્જાયો છે. સૌરભ 17 વર્ષ સુધી ઝારખંડની ટીમ માટે રમ્યો છે. સૌરભ તિવારીએ ભારત માટે 3 વન-ડે મેચ રમી છે. તેણે 115 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 8030 રન બનાવ્યા જેમાં 22 સદી અને 34 ફિફ્ટી સામેલ છે. તેણે કહ્યું, “મારું માનવું છે કે જો તમને રાષ્ટ્રીય ટીમમાં કે IPLમાં સ્થાન ન મળે તો યુવા ખેલાડીઓ માટે જગ્યા છોડવાનો આ યોગ્ય સમય છે.” વરુણ એરોન વારંવારની ઇજાઓને કારણે તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે ભારત માટે 9 ટેસ્ટ અને 9 વન-ડે મેચ રમી હતી. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 66 મેચમાં 173 વિકેટ ઝડપી છે.
ફૈઝ ફઝલ 21 વર્ષ સુધી વિદર્ભ માટે રમ્યો હતો. તેના નેતૃત્વમાં વિદર્ભે વર્ષ 2018માં રણજી ટ્રોફી જીતી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 9183 રન છે. ફઝલે વર્ષ 2016માં ઝિમ્બાબ્વે સામે ભારત માટે એક વન-ડે મેચ રમી હતી જેમાં તેણે અણનમ 55 રન બનાવ્યા હતા.
ભારત માટે 12 વન-ડે અને 2 ટી20આઈ મેચ રમનાર ધવલ કુલકર્ણી તેની સ્વિંગ, મૂવમેન્ટ અને સચોટ બોલિંગ માટે જાણીતો છે. મુંબઈના ધવલ કુલકર્ણીએ 17 વર્ષ સુધી ચાલેલા તેના ડોમેસ્ટિક ક્રિકેટિંગ કરિયરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ 35 વર્ષીય ફાસ્ટ બોલરે 95 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેણે 27.31ની એવરેજથી 281 વિકેટ લીધી હતી.