કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવ પર કોઈ જવાબ ન મોકલતા મામલો ગુંચવાયો
લખનઉ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે નહીં. આવી સ્થિતિમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનનો સાથ છોડી દીધો છે.
કોંગ્રેસે સોમવારે ઈન્ડિયા ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટી (એસપી)ના પ્રસ્તાવ પર કોઈ જવાબ મોકલ્યો ન હતો. અખિલેશે સોમવારે પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય ત્યાં સુધી સપા તેમની ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં. અગાઉ અખિલેશ રાયબરેલીમાં યાત્રામાં સામેલ થવાના હતા. સૂત્રોના જણાવ્યાનુસાર સપાએ અમેઠી, રાયબરેલી, બારાબંકી, સીતાપુર, કૈસરગંજ, વારાણસી, અમરોહા, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, કાનપુર, હાથરસ, ઝાંસી, મહારાજગંજ અને બાગપત સીટો કોંગ્રેસને આપી છે. જોકે કોંગ્રેસ પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.
સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ગઠબંધન હેઠળ 17 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અગાઉ, સપાએ કોંગ્રેસને 11 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. સોમવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ માટે 17 લોકસભા સીટો છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. પહેલા બંને પક્ષો વચ્ચે 15 બેઠકો પર વાતચીત થઈ હતી.