જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં 109ની એવરેજથી 545 રન બનાવ્યા છે
નવી દિલ્હી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 22 વર્ષીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જયસ્વાલે પહેલા વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ રાજકોટમાં બેવડી સદી ફટકારી હતી. યશસ્વી જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તેના કારણે તે આ ટેસ્ટ સીરિઝમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની નજીક છે. તેની પાસે મહાન ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કરનો 53 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક છે.
પૂર્વ ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. ગાવસ્કરે એક ટેસ્ટ સીરિઝમાં 774 રન રન બનાવ્યા છે. જો યશસ્વી જયસ્વાલ બાકીની બે ટેસ્ટ મેચમાં કુલ 230 રન બનાવી લે છે તો તે ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
સુનિલ ગાવસ્કરે વર્ષ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યુ ટેસ્ટ સીરિઝમાં ધૂમ મચાવી હતી. ગાવસ્કરે 4 ટેસ્ટ મેચમાં 774 રન બનાવ્યા હતા. જેમાં એક બેવડી સદી અને ત્રણ ફિફ્ટી સહિત 4 સદી પણ સામેલ છે. આ દરમિયાન ગાવસ્કરની બેટિંગ એવરેજ 154.80ની હતી. આ હજુ પણ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ છે.
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં 109ની એવરેજથી 545 રન બનાવ્યા છે, જેમાં બે બેવડી સદી અને એક ફિફ્ટી સામેલ છે. આ દરમિયાન યશસ્વીનો સ્ટ્રાઈક રેટ 81.1નો હતો. યશસ્વીએ આ સીરિઝમાં 50 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા છે. જયસ્વાલ 545 રન સાથે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. યશસ્વી પછી ઇંગ્લેન્ડનો ઓપનર બેન ડકેટે (288) સૌથી વધુ રન બનાવ્યા છે.
ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર
સુનિલ ગાવસ્કર વિ. વેસ્ટ ઈન્ડિઝ (1971) – 4 મેચ, 774 રન, 154.80ની એવરેજ, 4 સદી
સુનિલ ગાવસ્કર વિ. વેસ્ટ ઈન્ડિઝ (1978-79) – 6 મેચ, 732 રન, 91.50ની એવરેજ, 4 સદી
વિરાટ કોહલી વિ. ઓસ્ટ્રેલિયા (2014-15) – 4 મેચ, 692 રન, 86.50ની એવરેજ, 4 સદી
વિરાટ કોહલી વિ. ઈંગ્લેન્ડ (2016) – 5 મેચ, 655 રન, 109.16ની એવરેજ, 2 સદી
દિલીપ સરદેસાઈ વિ. વેસ્ટ ઈન્ડિઝ (1971) – 5 મેચ, 642 રન, 80.25ની એવરેજ, 3 સદી