આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થી વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો
શિકાગો
અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. હૈદરાબાદના એક વિદ્યાર્થી પર શિકાગોમાં ચાર સશસ્ત્ર લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચાર લૂંટારુઓ તેનો પીછો કરતાં દેખાય છે અને તક મળતાં જ તેના પર હુમલો કરતા જોવા મળી રહ્યાં છે.
પીડિત વિદ્યાર્થી સૈયદ મજાહિર અલી હૈદરાબાદના લંગર હૌઝનો રહેવાસી છે. તે ઇન્ડિયાના વેસ્લિયન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કરવા માટે અમેરિકા ગયો છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો શિકાગોના કેમ્પબેલ એવન્યુ પાસે તેના ઘરની નજીક તેનો પીછો કરતા દેખાય છે.
વીડિયોમાં દેખાય છે કે મજાહિર અલીને માથા, નાક અને મોંમાંથી લોહી વહી રહ્યું છે. તે કહે છે કે,“હું મારા હાથમાં ફૂડ પેકેટ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ચાર લોકોએ મારા પર હુમલો કર્યો. હું મારા ઘરની નજીક પહોંચ્યો ત્યારે ચારેય લોકોએ મને લાતો અને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું. કૃપા કરીને મને મદદ કરો, ભાઈ. મહેરબાની કરીને મારી મદદ કરો.” અલીનો આ વીડિયો વાયરલ થયો છે. મારપીટ બાદ લૂંટારાઓએ તેનો મોબાઈલ પણ છીનવી લીધો હતો.
આ હુમલાથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય મૂળના ચાર વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ આ હુમલાની ઘટનાએ ચિંતામાં બેવડો વધારો કર્યો છે.