સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા ક્રૂરતાપૂર્વક હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે
હોમ્સ
સીરિયાના હોમ્સ શહેરમાં ઈઝરાયલ દ્વારા આડેધડ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં 3 નાગરિકો સહિત 5 લોકો મૃત્યુ પામી ગયા. યુદ્ધ પર નજર રાખતી એક એજન્સીએ કહ્યું કે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે અનેક નાગરિકોની જાનહાનિના અહેવાલ આપ્યા છે.
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે હોમ્સ શહેરની એક ઈમારત પર ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલો કરાયો હતો. જેમાં ત્રણ નાગરિકો સહિત કુલ 5 લોકો માર્યા ગયા હતા. નાગરિકોમાં એક મહિલા, એક બાળક અને એક પુરુષ સામેલ હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે અન્ય સાત લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા હતા. જોકે મૃત્યુ પામેલા બે લોકોની હજુ ઓળખ થઇ શકી નથી.
આ મામલે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઈઝરાયલે ઉત્તરેથી હોમ્સ શહેર અને તેના ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સીરિયામાં ઈરાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ઈઝરાયલ દ્વારા ક્રૂરતાપૂર્વક હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાઝામાં દક્ષિણે આવેલા ખાન યુનિસ શહેરમાં ઈઝરાયલે હવાઈ હુમલા કરી ઓછામાં ઓછા 14 લોકોના જીવ લઈ લીધા હતા. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી ઈઝરાયલના ક્રૂરતાપૂર્વક કરાયેલા હુમલાઓમાં મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા વધીને 27585 થઈ ચૂકી છે.