આ કાર્યક્રમ હેડક્વાર્ટરની લોનમાં સવારે આઠથી નવ દરમિયાન યોજાશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ સ્થપાયેલી છે
નવી દિલ્હી
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી આપશે અને તેનુ નેતૃત્વ કરશે.
2014માં યુએન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી દર વર્ષે 21 જૂને અલગ અલગ શહેરમાં તેની ઉજવણી કાર્યક્રમો યોજી કરવામાં આવે છે.
યોગ દિવસના કારણે દુનિયામાં પણ યોગને લોકપ્રિયતા મળી રહી છે. પીએમ મોદીએ નવ વર્ષ પહેલા યુએનના મંચ પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મુક્યો હતો. હવે પહેલી વખત યુએનમાં યોજાનારા યોગના કાર્યક્રમનુ પીએમ મોદી નેતૃત્વ કરશે. આ કાર્યક્રમ હેડક્વાર્ટરની લોનમાં સવારે આઠથી નવ દરમિયાન યોજાશે. જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ સ્થપાયેલી છે.
કાર્યક્રમમાં વિવિધ દેશના રાજદૂતો, સભ્ય દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લે તેવી શક્યતા છે. યોગાસન કરવા માટે હાજર રહેનારા લોકોને તે પ્રમાણેના કપડા પહેરવા માટે સલાહ આપવામાં આવી છે.
યુએન દ્વારા આ કાર્યક્રમની જાણકારી આપવા માટે કરાયેલા ટ્વિટમાં પીએમ મોદીનો ફોટોગ્રાફ પણ મુકવામાં આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રે પણ હવે સ્વીકાર્યુ છે કે યોગની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી. યોગ સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય છે જોડાવુ. આ શબ્દ શરીર અને ચેતનાના મિલનના પ્રતિક તરીકે ઉપયોગમાં લેવાયો છે.