અગ્નિપથ યોજનાથી બે લાખ યુવાનોનાં સપનાં તૂટ્યાઃ ખડગે

Spread the love

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો

નવી દિલ્હી

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને આવશે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાષ્ટ્રપતિને સેનામાં નિયમિત સેવા માટે પસંદગી પામ્યા હોવા છતાં ભરતી કરવામાં ન આવી હોય તેવા લગભગ બે લાખ યુવાનો સાથે ન્યાય કરવા વિનંતી કરી છે. તેમણે દાવો કર્યો છે કે, સરકાર તેમની ભરતી બંધ કરીને અગ્નિપથ યોજના લઈને આવી જેના કારણે આ યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખડગેએ પત્રમાં લખ્યું કે, તાજેતરમાં જ મેં આ યુવાનો સાથે મુલાકાત કરી. તેમણે મને જણાવ્યું કે, 2019 અને 2022ની વચ્ચે લગભગ 2 લાખ ઉમેદવારોને જાણ કરવામાં આવી હતી કે તેઓ ત્રણ સશસ્ત્ર સેવાઓ – આર્મી, નેવી અને એર ફોર્સમાં પસંદગી પામ્યા છે. આ યુવાનોએ સખત માનસિક અને શારીરિક કસોટીઓ તથા લેખિત પરીક્ષા પાસ કરવા માટે તમામ અવરોધો છતાં સંઘર્ષ કર્યો હતો.

તેમણે કહ્યું કે, ’31 મે 2022 સુધી તેમને વિશ્વાસ હતો કે, તેમણે પોતાના સપના પૂરા કરી લીધા છે અને તેઓ માત્ર પોતાના નિમણૂક પત્રની જ રાહ જોઈ રહ્યા હતા. તે દિવસે ભારત સરકારે આ ભરતી પ્રક્રિયાને સમાપ્ત કરી દીધી અને તેના સ્થાન પર અગ્નિપથ યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો તેનાથી તેમના સપના તૂટી ગયા.’

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, ‘અગ્નિપથ યોજના સાથે ઘણા મુદ્દાઓ જોડાયેલા છે. ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેએ લખ્યું છે કે અગ્નિપથી સેના આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ખડગેએ કહ્યું કે, આ ઉપરાંત આ યોજના સૈનિકોની સમાંતર કેડર બનાવીને આપણા જવાનો વચ્ચે ભેદભાવ પેદા કરનારી છે. ચાર વર્ષની સેવા બાદ મોટાભાગના અગ્નિવીરોને નોકરીની શોધ માટે છોડી દેવામાં આવશે. આ અંગે કેટલાક લોકોનો તર્ક છે કે, તેનાથી સામાજિક સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે.’

તેમણે કહ્યું કે, ‘આ સપનું પૂરું કરવામાં ઉમેદવારોને માત્ર વર્ષો જ નથી લાગ્યા પરંતુ 50 લાખ અરજદારોમાંથી પ્રત્યેકને 250 રૂપિયા જમા કરાવવા પડ્યા હતા. જે આ યુવાનો પાસેથી લીધેલા 125 કરોડ રૂપિયાની મોટી રકમ છે.’

કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો છે કે, ‘હતાશા અને નિરાશાને કારણે ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી લીધી છે. ખડગેએ પત્રમાં લખ્યું કે, આપણા યુવાનોને આ રીતે પીડા ન ભોગવવા દેવાય. હું તમને આ યુવાનોને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા અપીલ કરું છું.’

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *