મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં આ ઘટના બની હતી
મુંબઈ
ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. સતત બે મેચ હાર્યા બાદ યુપી વોરિયર્સને ગઈકાલે લીગમાં પ્રથમ જીત મળી હતી. ટીમે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું. આ મેચમાં ચાહકોને ટીમની કેપ્ટન અને ઓસ્ટ્રેલિયન ખેલાડી એલિસા હીલીનો અલગ રૂપ પણ જોવા મળ્યો. આ મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘુસી ગયો હતો, જેને યુપી વોરિયર્સની કેપ્ટન અને વિકેટકીપર એલિસા હીલીએ રોક્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં આ ઘટના બની હતી. આ દરમિયાન એક દર્શક સુરક્ષાનો ભંગ કરીને મેદાનની વચ્ચે આવી ગયો હતો. આ પછી એલિસા હીલીને લાગ્યું કે તે પિચને નુકસાન પહોંચાડશે, ત્યારબાદ તેણે આ દર્શકને પકડી લીધો અને તેને અલગ કરી દીધો. આ દરમિયાન વિકેટકીપિંગ કરી રહેલી હીલીએ આ દર્શકને પિચ તરફ જતા રોકવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓ આવ્યા અને દર્શકને મેદાનની બહાર લઈ ગયા. હીલીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મેચ બાદ હીલીએ કહ્યું કે, “અમે અમારા પ્રદર્શનથી ઘણા ખુશ છીએ. અમે મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમને હરાવવા માટે શાનદાર વાપસી કરી હતી. મેં કિરણ નવગીરેને પૂછ્યું કે શું તે ઓપનિંગ કરશે. તે ઓપન કરવા માંગતી હતી. અમે તેમને 25 રન વધુ બનાવવા દીધા. ફિલ્ડિંગના કારણે અમે ઘણા રન આપ્યા. જો કે બેટરોએ પોતાનું કામ કર્યું અને બોલરોએ અમને મેચમાં જાળવી રાખ્યા. અમે ભારતમાં આ રીતે જ રમીએ છીએ. અમને ખેલાડીઓ પર ગર્વ છે પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે.”