એઆઈ ઇકોસિસ્ટમનો ઉપયોગ આરોગ્ય, કૃષિ અને શિક્ષણને સુધારવા માટે કેવી રીતે થઈ શકે છે એ અંગે પણ ચર્ચા થઈ હતી
નવી દિલ્હી
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ છેલ્લા ચાર દિવસથી ભારતની મુલાકાતે છે. બિલ ગેટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય અધિકારીઓ પહેલા ડોલી ચાવાળાને મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બિલ ગેટ્સે અનંત અંબાણીના પ્રિ-વેડિંગ ઇવેન્ટમાં પણ હાજરી આપી હતી અને બાદમાં આજે તેઓ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. મીટિંગ બાદ બિલ ગેટ્સે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, “હું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને ભારતની એઆઈ ઇકોસિસ્ટમ વિશે વાત કરવા મળ્યો હતો અને તેનો ઉપયોગ આરોગ્ય, કૃષિ અને શિક્ષણને સુધારવા માટે કેવી રીતે થઈ શકે છે એ અંગે પણ ચર્ચા થઈ હતી”.
બિલ ગેટ્સે કહ્યું કે, ‘ભારતની ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યાત્રા ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક ઉત્તમ મોડલ છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ખુલ્લી, સુરક્ષિત અને ઇન્ટરઓપરેબલ સિસ્ટમ્સ બનાવવાની ભારત સરકારની પહેલને સમર્થન આપવા માટે ઉત્સુક છે જે મજબૂત ડિજિટલ અર્થતંત્રોનું નિર્માણ કરે.’
આ મીટિંગ પછી અશ્વિની વૈષ્ણવે એક્સ પર તસવીરો સાથે એક પોસ્ટ પણ કરી છે જેમાં તેણે લખ્યું છે કે બિલ ગેટ્સ અને તેમની ટીમ સાથે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્રેડિટ અને AI પર રસપ્રદ ચર્ચા થઈ હતી.