હવે 85 વર્ષથી ઓછી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરવા માટે ફરજિયાતપણે મતદાન કેન્દ્રો પર જવું પડશે
નવી દિલ્હી
હવે મતદાન કેન્દ્રો પર પહેલા કરતા વધુ વૃદ્ધોની લાઈન જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટેની વય મર્યાદા 80 થી વધારીને 85 વર્ષ કરી દીધી છે. એનો અર્થ એ કે હવે 85 વર્ષથી ઓછી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરવા માટે ફરજિયાતપણે મતદાન કેન્દ્રો પર જવું પડશે. આ અગાઉ 80 વર્ષથી ઉપરના વૃદ્ધોને પોસ્ટલ બેલેટની સુવિધા મળી હતી.
કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ શુક્રવારે ચૂંટણી સંચાલન નિયમો (1961)માં સુધારો કર્યો હતો. ચૂંટણીપંચે છેલ્લી 11 વિધાનસભા ચૂંટણીમાં વૃદ્ધોની વોટિંગ પેટર્નને ધ્યાનમાં રાખી આ ફેરફાર કર્યો છે. આ ચૂંટણીઓમાં 80 વર્ષથી ઉપરના 97 થી 98% વૃદ્ધોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાને બદલે મતદાન કેન્દ્રો પર જઈને મતદાન કરવાનું પસંદ કર્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે 2020માં કરવામાં આવેલી આ જોગવાઈમાં સુધારો કર્યો છે.
ચૂંટણી સંચાલન નિયમોના નિયમ 27એ પ્રમાણે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ, ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કર્મચારીઓ અને સેનાના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવી છે. 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓને પણ મહામારી દરમિયાન આ સુવિધા આપવામાં આવી હતી.
મત ગણતરી દરમિયાન સામાન્ય રીતે સૌથી પહેલા પોસ્ટલ બેલેટની જ ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટની સંખ્યા ઓછી છે અને તે પેપર વાળા મતપત્ર હોય છે તેથી તેની ગણતરી પણ સરળતાથી થઈ જાય છે.
ચૂંટણી પંચે 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી જ્યાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. આ બેઠકમાં એવું બહાર આવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના માત્ર 2-3 ટકા મતદારોએ પોસ્ટલ બેલેટ માટે પસંદગી કરી હતી અને બાકીના લોકોએ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવાનું પસંદ કર્યું હતું. દેશભરમાં 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોની કુલ સંખ્યા 1.75 કરોડ છે જેમાંથી 80-85 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા 98 લાખ છે.