શિક્ષક પર જે આરોપ લાગ્યા હતા તેને સાબિત કરવા માટેના કોઈ પૂરાવા રજૂ કરાયા ન હોવાનું કોર્ટનું તારણ
ઈસ્લામાબાદ
સિંધના ઘોટકી નામના જિલ્લામાં 2019માં એક હિન્દુ શિક્ષકની ધાર્મિક અપમાન કરતી ટિપ્પણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાંચ વર્ષ બાદ કોર્ટે આ શિક્ષકને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
પાકિસ્તાની અખબારના અહેવાલ અનુસાર કોર્ટે કહ્યુ હતુ કે, શિક્ષક પર જે આરોપ લાગ્યા હતા તેને સાબિત કરવા માટેના કોઈ પૂરાવા રજૂ કરાયા નથી. માટે જો આ શિક્ષક સામે બીજા કોઈ પ્રકારના પેન્ડિંગ કેસ ના હોય તો તેમને તરત જ મુક્ત કરવામાં આવે.
અદાલતના આદેશ પછી પણ આ શિક્ષકના પરિવારજનોએ તેમની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે, શિક્ષકના જીવ પર ખતરો છે.
સિંધ માનવાધિકાર આયોગના સભ્ય સુખદેવ હેમનાનીએ કહ્યુ હતુ કે, પાંચ વર્ષ સુધી શિક્ષકને અપમાનજનક ધાર્મિક ટિપ્પણીના આરોપમાં જેલમાં રાખવામાં આવ્યા હતા. આખરે તેમને નિર્દોષ છોડવાનો કોર્ટે ચુકાદો આપ્યો છે. અમે તેમની અને તેમના પરિવારની સુરક્ષા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ હિન્દુ શિક્ષક સામે સ્કૂલના એક વિદ્યાર્થીએ પોતાના પિતાને ફરીયાદ કરીને કહ્યુ હતુ કે શિક્ષકે અપમાનજનક ધાર્મિક ટિપ્પણી કરી છે. વિદ્યાર્થીએ આ સબંધમાં એક વિડિયો વાયરલ કર્યો હતો. જેના પગલે શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આ શિક્ષક જે સ્કૂલમાં ભણાવતા હતા તે સ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી હતી.
શિક્ષક પર આરોપ લાગ્યા બાદ રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ અને તેની સાથે સાથે આ વિસ્તારના હિન્દુ મંદિરો પર પણ હુમલા કર્યા હતા.
જોકે શિક્ષકની પોલીસે ધરપકડ કર્યા બાદ ઘણા સામાજીક અને રાજકીય કાર્યકરોએ સવાલો ઉઠાવ્યા હતા. જોકે પાંચ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આખરે આ શિક્ષકને કોર્ટે નિર્દોષ છોડયા છે.