આ ટ્રેન સુપરકન્ડક્ટિંગ ટેકનોલોજીથી ચાલતી હોવાની જાણકારી ચાઈના એરોસ્પેસ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને આપી
બિજિંગ
ભારતમાં મોટાભાગની સુપર ફાસ્ટ ટ્રેનોની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 120 થી 130 કિલોમીટર જ છે ત્યારે ચીન પોતાની ટ્રેનોની ઝડપ વધારવા માટે જે ઝડપથી કામ કરી રહ્યુ છે તે જોઈને દુનિયા ચોંકી ઉઠી છે.
ચીનમાં ઘણી હાઈ સ્પીડ ટ્રેન અથવા બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખાતી ટ્રેનો પ્રતિ કલાક 400 કિલોમીટર ઝડપથી પણ ચાલી શકે છે. જોકે ચીનને તો આટલી ઝડપથી પણ સંતોષ નથી. ચીનની મેગ્લેવ ટ્રેન હવે રફતારનો નવો વિક્રમ સર્જયો છે.
આ ટ્રેન અંગે ચાઈના એરોસ્પેસ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને જાણકારી આપતા કહ્યુ છે કે, મેગ્લેવ ટ્રેને ઓકટોબર 2023માં થયેલા પરીક્ષણમાં પ્રતિ કલાક 387 માઈલ એટલે કે 623 કિલોમીટરની ઝડપ હાંસલ કરી હતી. આ ટ્રેન સુપરકન્ડક્ટિંગ ટેકનોલોજીથી ચાલે છે.
ચાઈના એરોસ્પેસ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને તો આના કરતા પણ ત્રણ ગણી ઝડપથી દોડી શકે તેવી અને પ્લેનની ઝડપને પણ આંટી દે તેવી ટ્રેન બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આ પહેલા મેગ્વેલ ટ્રેનના પરીક્ષણને મહત્વની સફળતા ગણાવવામાં આવી રહી છે.
ચીનના અખબારના અહેવાલ પ્રમાણે આ પરીક્ષણ દરમિયાન મેગ્વેલ ટ્રેનની મહત્તમ ઝડપ 623 કિલોમીટર પ્રતિ કલાક પર પહોંચી હતી. હવે નવા પરિક્ષણમાં ટ્રેનને પ્રતિ કલાક 1000 કિલોમીટરની ઝડપથી દોડાવવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જો આ પરિક્ષણ સફળ થયુ તો ટ્રેનની ઝડપ મોટાભાગના પ્લેનની ઝડપની સમકક્ષ થઈ જશે. સામાન્ય રીતે મોટાભાગના મુસાફરી માટેના વિમાનો 925 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરતા હોય છે.