પૈસા કમાઓ, કોણ ના પાડે છે? પૈસા કમાવા જોઈએ પણ એવું ન થવું જોઈએ કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમો અને દેશને મહત્વ ન આપોઃ પૂર્વ ક્રિકેટર
નવી દિલ્હી
શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાદબાકી બાદ નવો વિવાદ ઉભો થયો છે. જેમાં પૂર્વ ક્રિકેટરો અને ચાહકોની પ્રતિક્રિયાઓ દરરોજ સામે આવી રહી છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવીણ કુમારની અય્યર અને કિશન વચ્ચેના વિવાદમાં એન્ટ્રી થઇ છે. પ્રવીણ કુમારે ડોમેસ્ટિક ક્રિકેટને મહત્વ ન આપવા બદલ ઇશાન અને અય્યરની ટીકા કરી છે. પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે આઈપીએલ સિવાય શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.
પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “હું લાંબા સમયથી આ કહેતો આવ્યો છું. પૈસા કમાઓ, કોણ ના પાડે છે? પૈસા કમાવા જોઈએ પણ એવું ન થવું જોઈએ કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમો અને દેશને મહત્વ ન આપો. આ વાત હવે ખેલાડીઓના મનમાં નિશ્ચિતપણે સ્થાપિત થઈ ગઈ છે. ખેલાડીઓના મનમાં એવું થાય છે કે હું એક મહિનો આરામ કરીશ અને ફરી રમીશ અને આટલા પૈસા કેવી રીતે છોડી શકું છું. પરંતુ આ યોગ્ય વિચાર નથી. પૈસા મહત્વપૂર્ણ છે પણ એટલા પણ નહીં. દરેક ખેલાડીને વસ્તુઓને સંતુલિત કરતા આવડવું જોઈએ.”
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બીસીસીઆઈએ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને તેના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત કરી દીધા હતા. આ બંને ખેલાડીઓને બીસીસીઆઈ દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. બીસીસીઆઈની આ સલાહને અવગણીને અય્યર અને કિશને ડોમેસ્ટિક ક્રિકેટ રમી ન હતી. અહેવાલો મુજબ બીસીસીઆઈના અધિકારીઓએ ઈશાન કિશનનો ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમવા માટે સંપર્ક કર્યો હતો પરંતુ કિશને અનફિટ હોવાનું જણાવીને રમવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાના કારણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો. જો કે એનસીએ દ્વારા અય્યરને ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ બીસીસીઆઈએ સજા તરીકે આ બંને ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા હતા. હવે આ બંને ખેલાડીઓ આઈપીએલ 2024માં રમતા જોવા મળશે.