ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારને બચાવવા માટે તમામ શક્તિ લગાવી રહી હોવાનો આક્ષેપ
કોલકાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં પર તેમણે સંદેશખાલીની પાંચ પીડિત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિત મહિલાઓએ તેમની સાથે થયેલી ઘટના અંગે વડાપ્રધાન મોદીને જણાવ્યું. આ મહિલાઓનું દર્દ સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા.
બારાસાતમાં થયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમ દરમિયાન સંદેશખાલી મામલે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘સંદેશખાલીમાં ઘોર પાપ થયું છે. ત્યાં જે કંઈ પણ થયું તેનાથી કોઈનું પણ માથું શરમથી ઝુકી જશે પરંતુ ત્યાંની ટીએમસી સરકારને તમારા દુઃખથી કોઈ ફરક નથી પડતો. ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારને બચાવવા માટે તમામ શક્તિ લગાવી રહી છે પણ પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટથી પણ રાજ્ય સરકારને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના રાજમાં ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ટીએમસી સરકારને અત્યાચારી નેતા પર ભરોસો છે પરંતુ બંગાળની બહેન-દીકરીઓ પર ભરોસો નથી. બંગાળની મહિલાઓ અને દેશની મહિલાઓ આક્રોશમાં છે. મહિલાઓનો આ ગુસ્સો માત્ર સંદેશખાલી સુધી સીમિત નથી રહેવાનો. હું જોઈ રહ્યો છું કે ટીએમસીના માફિયા રાજને ખતમ કરવા માટે બંગાળની નારી શક્તિ નિકળી ચૂકી છે. બંગાળની બહેન-દીકરીઓનો બુલંદ અવાજ માત્રને માત્ર ભાજપ જ છે.’